સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ચોટીલાના ઢોકળવા, ધ્રાંગધ્રા અને લીંબડીમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં જુગાર રમી તહેવારની ઉજવણી કરતા 17 જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂપીયા 37,030ની મત્તા સાથે પકડાયા છે. લખતરના ભૈરવપરાના ગેટ પાસે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા અજય ગોવિંદભાઈ રાણેવાડીયા, જયેશ જેસીંગભાઈ અઘારા, પ્રવિણ લાભુભાઈ મકવાણા, ભાવેશ નટુભાઈ બારોલીયા, રણજીત ધનજીભાઈ સોલંકી, ભરત જીવાભાઈ દાદરેશા, રાહુલ નરશીભાઈ મહેરીયા અને મહેશ ચંદુભાઈ વહોદરીયા રોકડા રૂપીયા 10,200 સાથે પકડાયા છે. જયારે આણંદપુર પોલીસ મથકના પીઆઈ જે.કે.રાઠોડ, આર.પી.બાવળીયા, શેખાભાઈ રોજીયા સહિતનાઓને ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે બાપા સીતારામની મઢુલી પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વિપુલ ઘુઘાભાઈ ઝાંપડીયા, નાથા સુખાભાઈ રોજીયા, છગન બચુભાઈ સાકરીયા, ગોવિંદ અમરાભાઈ ડાભી અને છગન હરજીભાઈ ધરેજીયા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા પકડાયા છે. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 10,200 કબજે કરી આણંદપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ એમ.કે.ગોહિલ ચલાવી રહ્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ પર આવેલ ગરબી ચોકમાં ગુડદી પાસાનો જુગાર રમતા સીકંદર ભાઈમીયાભાઈ કુરેશી, મુન્ના જેરામભાઈ નંદેસીયા અને પરબત બાબુભાઈ વીંઝુવાડીયા રોકડા રૂપીયા 10,450 સાથે ઝડપાયા છે. અને લીંબડીના આઝાદ ચોકમાંથી મુળ ધંધુકા તાલુકાના અડવાળનો 62 વર્ષીય બલવીરસિંહ જામભા ઝાલા રોકડા રૂપીયા 2590 અને રૂપીયા 500ના કીપેડ વાળા ફોન સહિત રૂપીયા 3090ની મત્તા સાથે વરલી મટકાનો જુગાર રમતો ઝડપાયો છે.
