સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના કોચાડા ગામે રહેતા 21 વર્ષીય અજયભાઈ લાલજીભાઈ ગાંભા લાઈટ ફીટીંગનું કામ કરે છે. તેમના લગ્ને એક વર્ષ પહેલા જ માંડલના માનસીબેન સાથે થયા છે. અજયભાઈને પાકુ ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવાનું હોઈ તા. 30-6ના રોજ બાઈક લઈને સુરેન્દ્રનગર જતા હતા. જેમાં સવલાસ રોડ પર એક બાઈક ચાલકે અજયભાઈ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં અજયભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જયાં તા. 2-7ના રોજ અજયભાઈનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના પિતા લાલજીભાઈએ પાટડી પોલીસ મથકે અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી પી.બી.ચાવડા ચલાવી રહ્યા છે. જયારે સાયલા તાલુકાના ગોસળ ગામે રહેતા 30 વર્ષીય બાબુભાઈ સોમાભાઈ વાઘેલા મજુરી કરે છે. તા. 30-6ના રોજ રાત્રે તેમના માતા 50 વર્ષીય અમુબેન સોમાભાઈ વાઘેલા ચાલીને હાઈવે પર જતા હતા. ત્યારે સાયલા-ચોટીલા હાઈવે પર દ્વારકાધીશ હોટલ પાસે કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લઈ માથુ છુંદી નાંખી મોત નીપજાવ્યુ હતુ. આ અંગે બાબુભાઈએ સાયલા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એચ.એન.ઝાલા ચલાવી રહ્યા છે. બીજી તરફ મહેસાણામાં રહેતા 51 વર્ષીય જયંતીજી શંકરજી ઠાકોર ડ્રાઈવીંગ કરે છે. તા. 2-7ના રોજ સવારે તેઓ પોતાની ઈકો કારમાં મિત્ર જીતુભાઈ સાધુના મજુરોને લઈ ચોટીલા દર્શન કરવા ગયા હતા. જયારે રાતના મહેસાણા પરત જતા હતા. ત્યારે રાતના 1 કલાકે દસાડા તાલુકાના વણોદ પાસે પાછળથી પુરઝડપે આવેલા ડમ્પરે ઈકો કારને ટક્કર મારી હતી. જેમાં કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં જયંતીજી ઠાકોરને ઈજાઓ થતા 108 દ્વારા મહેસાણાની લાયન્સ હોસ્પીટલમાં લઈ જવાયા હતા. આ અંગે દસાડા પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે.
