સાયલા તાલુકાના થોરીયાળી ગામે રહેતા મહેશભાઈ માવજીભાઈ મારૂણીયા ડ્રાઈવીંગ કરે છે. તેઓ સાયલાના જેસીંગભાઈ પરમારનું ટ્રેલર ચલાવે છે. તા. 7-7ના રોજ સાંજે તેઓ હળવદના સાપકડાથી ટ્રેલરમાં બ્લેક ટ્રેપ ભરીને દસાડા-શંખેશ્વર હાઈવે પર ખાલી કરવા જતા હતા. જેમાં દસાડાથી આગળ પાણીની ટાંકી પાસે મીલનભાઈ તલસાણીયા, મીલનભાઈ વાઢેર, પાર્થભાઈ સહિતનાઓ ઉભા હતા અને રસ્તાની સાઈડમાં ટ્રેલર ખાલી કરવાનું કહ્યુ હતુ. આથી રાતના 12-05 કલાકે ટ્રેલરની બન્ને સાઈડની સીગ્નલ લાઈટ ચાલુ કરી મહેશભાઈ પાછળ ઉતરી પાટીયુ ખોલતા હતા. જયારે અન્ય 2 વ્યકિતઓ હાથબત્તી લઈ બન્ને સાઈડ આવતા વાહનોનું ધ્યાન રાખતા હતા. ત્યારે શંખેશ્વર તરફથી પુરઝડપે આવતી આઈશરે લાઈટ કરવા છતાં તેના ચાલકે ગફલતભરી રીતે ચલાવી ટ્રેલર સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ટ્રેલરના પાછળના બન્ને વ્હીલ ફુટી ગયા હતા અને આઈશરને પણ નુકશાન થયુ હતુ. આ બનાવમાં આઈશર ચાલકને ઈજાઓ પહોંચતા 108 દ્વારા દવાખાને લઈ જવાયા હતા. જેમાં બાદમાં આઈશર ચાલક પાટણના સંખારીના શૈલેષ અંબારામભાઈ પરમાર હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે મહેશભાઈ મારૂણીયાએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ એમ.બી.મકવાણા ચલાવી રહ્યા છે. જયારે સાયલા તાલુકાના ડોળીયા ગામે રહેતા 75 વર્ષીય નરશીભાઈ ગગાભાઈ શ્રીમાળી ખેતી કરે છે. તેઓને લીંબડી દવાખાને દવા લેવા ગયા હતા. જયાંથી પરત આવીને ડોળીયા ગામના પુલ નીચે રસ્તો ક્રોસ કરતા હતા. આ સમયે તેમની આગળ ઈકો કાર પેસેન્જર ઉતારવા ઉભી હતી. જેમાં કારના ચાલકે ગફલતભરી રીતે કાર રીવર્સ લેતા નરશીભાઈ સાથે અથડાવી હતી. જેમાં નરશીભાઈ ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે સાયલા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એચ.બી.મોડ ચલાવી રહ્યા છે.
