સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા-બહુચરાજી હાઈવે પર આવેલ સીટસ બનાવતી કંપનીની કેન્ટીનમાં સોમવારે રાત્રે ભોજનમાં રાત્રે ગરોળી નીકળતા 25થી વધુ કર્મચારીઓને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. જેમાં તેઓને તાત્કાલીક હોસ્પીટલ લઈ જવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-બહુચરાજી હાઈવે પર અનેક કંપનીઓ ધમધમી રહી છે. જેમાં દસાડા તાલુકાના નાવીયાણી ગામ પાસે સીટસ બનાવતી ભારત સીટસ કંપની પણ આવેલી છે. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે કેમ્પસમાં જ કેન્ટીન બનાવાઈ છે. જેમાં કર્મચારીઓ ભોજન લે છે. ત્યારે સોમવારે રાત્રે કર્મચારીઓ ભોજન કરતા હતા. ત્યારે એક પ્લેટમાં મૃત ગરોળી નીકળી હતી. જેના લીધે કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. થોડા સમય બાદ 25થી વધુ કર્મચારીઓને પેટમાં દુઃખાવો અને ઉલ્ટીની ફરીયાદો થતા તેઓને તાત્કાલિક મહેસાણાની હોસ્પીટલ લઈ જવાયા હતા. આ બનાવની જાણ ઈન્ચાર્જ પાટડી તાલુકા હેલ્થ ઓફીસર હીરામન રામને થતા તેઓએ તાત્કાલિક એક ટીમ હોસ્પીટલ મોકલી હતી. અને તપાસ કરાઈ હતી. પરંતુ કોઈ ચિંતાજનક બાબત સામે આવી નથી. ત્યારે આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી દસાડા પંથકમાં લોકમાંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો