સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની હારમાળા નીરંતર ચાલુ છે. જેમાં અકસ્માતના વધુ 3 બનાવ સામે આવ્યા છે. ગુરૂવારે સવારે ધ્રાંગધ્રાના રાજગઢ પાસે પુંઠા ભરેલ આઈશરમાં આગ ભભુકી ઉઠી હતી. જયારે સુરેન્દ્રનગરના ટાંકીચોક અને દસાડાના વડગામ પાસે અકસ્માતમાં માતા-પુત્રી અને વૃધ્ધને ઈજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલ મોહનચાલીમાં રહેતા 62 વર્ષીય ભુપતસિંહ તેજીભા મોરી છુટક મજુરી કરે છે. તા. 20-3ના રોજ સાંજે તેઓ ટાંકીચોક પાસે સાયકલ લઈને શાકભાજી લેવા ગયા હતા. ત્યારે હેન્ડલુમ તરફથી આવતી સફેદ કલરની કારના ચાલકે પુરઝડપે ચલાવી ભુપતસિંહને અડફેટે લેતા પગે ફેકચર થતા સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ બનાવમાં કાર ચાલક સાથે સમાધાનની વાત ચાલુ હતુ. પરંતુ સમાધાન ન થતા અંતે તા. 15-4ના રોજ રાત્રે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ વી.પી.રાઠોડ ચલાવી રહ્યા છે. જયારે અમદાવાદના દુધેશ્વર સર્કલ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય સુમીત્રાબેન જયંતીભાઈ સોલંકી અને તેમની દિકરી હર્ષાબેન 12-4ના રોજ હર્ષાબેનની સાસરી શંખેશ્વર તાલુકાના પાડલામાં માંડવાનો પ્રસંગ હોઈ ગયા હતા. જયાંથી રાધનપુર-ફતેપુરા રૂટની એસ.ટી.બસમાં તેઓ શંખેશ્વરથી અમદાવાદ જવા નીકળ્યા હતા. અને માતા-પુત્રી બન્ને બસની છેલ્લી સીટમાં બેઠા હતા. બસ દસાડા તાલુકાના વડગામથી દસાડા તરફ જતી હતી. ત્યારે બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા છેલ્લી સીટે બેસેલ માતા-પુત્રી ઉછળ્યા હતા. અને સુમીત્રાબેનને મણકાના ભાગે અને હર્ષાબેનને પગમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે તા. 15-4ના રોજ દસાડા પોલીસ મથકે એસ.ટી. બસના ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી બી.જે.ઝાલા ચલાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે 5ર ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ પાસેથી પસાર થતી એક પુંઠા ભરેલ આઈશરમાં ગુરૂવારે સવારના સમયે અચાનક આગ લાગી હતી. આ અંગેના સમાચાર મળતા જ ધ્રાંગધ્રા નગરપાલીકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી દોઢ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવાઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી









