સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે, દસાડાના મોટી મજેઠી પાસે અને લીંબડી હાઈવે પર અકસ્માતના 3 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં લખતરમાં છકડા હડફેટે વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી છે. જયારે મોટી મજેઠી પાસે કચ્છનુ દંપતી ઘવાયુ છે. બીજી તરફ લીંબડી હાઈવે પર આઈશરે 2 કારને ઠોકર મારતા જામનગરના પરીવારના 5 સભ્યોને સામાન્ય ઈજાઓ થઈ છે. લખતરના મફતીયાપરામાં રહેતા 45 વર્ષીય કાળુભાઈ ગોવિંદભાઈ વઘાડીયા લખતર-વિરમગામ હાઈવે પર આવેલ ઉમીયા હોટલમાં રસોઈનું કામ કરે છે. તા. 1-2ના રોજ મોડી સાંજે તેમના પિતા 75 વર્ષીય ગોવિંદભાઈ ગાંડાભાઈ વઘાડીયા ચાલીને ઉમીયા હોટલ તરફ જતા હતા. ત્યારે યોગીરાજ પેટ્રોલપંપ અને હોટલ વચ્ચે સામેથી આવતા છકડા ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અંગે કાળુભાઈને જાણ થતા તેઓ દોડી ગયા હતા. અને ગંભીર રીતે ઘવાયેલા પિતાને સારવાર માટે પ્રથમ લખતર સરકારી દવાખાને અને ત્યાંથી સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે લખતર પોલીસ મથકે કાળુભાઈ વઘાડીયાએ તા. 3ના રોજ સાંજે અજાણ્યા છકડા ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી રાજુભાઈ કુશાપરા ચલાવી રહ્યા છે. જયારે કચ્છના ગાંધીધામ તાલુકામાં આવેલ કીડાણા ગામે રહેતા 33 વર્ષીય બીલાલભાઈ ગફારભાઈ કાતીયાર ડ્રાઈવીંગ કરે છે.
તા. 30-1ના રોજ સવારે તેઓ તેમના શેઠ બાલચંદભાઈ અને તેમના પત્ની પુષ્પાબેનને બાલચંદભાઈની ઈગ્નીશ કારમાં લઈને અમદાવાદ જતા હતા. જેમાં સવારના 11 કલાકના સમયે દસાડા તાલુકાના મોટી મજેઠી ગામ પાસે પસાર થતા સમયે સામેથી આવતી અલ્ટો કારના ચાલકે ગફલતભરી રીતે ચલાવી અકસ્માત કર્યો હતો. જેમાં બાલચંદભાઈ અને પુષ્પાબેનને ઈજાઓ થતા સારવાર માટે વિરમગામ સરકારી દવાખાને અને ત્યાંથી અમદાવાદ લઈ જવાયા હતા. આ અંગે બજાણા પોલીસ મથકે અલ્ટોકારના ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.જી.પાણકુટા ચલાવી રહ્યા છે. બીજી તરફ જામનગરના એરફોર્સ રોડ પર આવેલી શિવમ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય સુરેશભાઈ નારણદાસ સોલંકી બોકસનું કારખાનુ ચલાવે છે. તા. 3-2ના રોજ રાત્રે તેઓ પત્ની જયશ્રીબેન, દિકરો મનન, ભત્રીજો યુવરાજ અને ભત્રીજાવહુ કોમલબેન સાથે પોતાની કીયા કાર લઈને શ્રીનાથજી દર્શન કરવા જતા હતા. જેમાં રાત્રે 2-30 કલાકે લીંબડી હાઈવે પર પહોંચતા એચએફએમ હોટલ પાસે ટ્રાફીક જામ હોવાથી તેઓ ઉભા રહ્યા હતા. તેમની પાછળ એક સ્વીફટ કાર ઉભી હતી. ત્યારે તેની પાછળ પુરઝડપે આવેલા આઈશર ચાલકે સ્વીફટ કારને ટક્કર મારી હતી આથી કાર સુરેશભાઈની કાર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ઉપરાંત આઈશર ચાલકે પોતાનું આઈશર આગળ ચલાવી કીયા કારને સાઈડમાં અકસ્માત કર્યો હતો. આ બનાવમાં કીયા કારમાં બેસેલ તમામ પાંચેય વ્યકિતઓને સામાન્ય ઈજા થઈ હતી. જયારે સ્વીફટ કારમાં સવાર કોઈને ઈજા થઈ ન હતી. બનાવની આઈશર ચાલક અનવર શેખ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.પી.ડોડીયા ચલાવી રહ્યા છે.










