સુરેન્દ્રનગર એસઓજી ટીમના કાનાભાઈ સાબંડ, મુનાભાઈ સહિતનાઓએ થાનના જામવાળી પાસેથી થાનની સાકરીયા શેરીમાં રહેતો રાહુલ ઉર્ફે ચોટી દિનેશભાઈ પરમારને હાથ બનાવટની પીસ્ટલ, તમંચો અને 2 કારતુસ સહિત રૂપીયા 30,200ની મત્તા સાથે પકડી લીધો હતો. જયારે આ જ સ્થળેથી થાનની ગ્રામલક્ષ્મી સોસાયટીમાં રહેતો રાજુ કાળુભાઈ પરમાર દેશી હાથ બનાવટના તમંચા કિંમત રૂપીયા 5 હજાર સાથે ઝડપાયો હતો. બીજી તરફ એસઓજી ટીમના મીતભાઈ, કુલદીપસિંહ સહિતનાઓએ થાન તાલુકાના રૂપાવટી ગામ પાસેથી રૂપાવટીના મેલુ પુનાભાઈ પરમારને હાથ બનાવટની પીસ્ટલ, તમંચો અને 2 કાર્ટીસ સહિત રૂપીયા 30,200ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. આ ત્રણેય શખ્સોએ ગેરકાયદેસર હથીયારો 2 વર્ષ પહેલા થાનના મેહુલ ઉર્ફે ટેણો અમરાભાઈ પરમાર પાસેથી વેચાણથી લીધા હોવાનું જણાવ્યુ હતુ. ગેરકાયદેસર હથીયાર સાથે ઝડપાયેલ રૂપાવટીના મેલુ પરમાર અને થાનનો મેહુલ પરમાર કાકા-ભત્રીજા હોવાનું પણ સામે આવ્યુ છે. પોલીસે ત્રણેય આરોપીઓને 5 ગેરકાયદેસર હથીયાર અને 4 કારતુસ સહિત રૂપીયા 65,400ની મત્તા સાથે ઝડપી લઈ થાન પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને હથીયાર આપનાર મેહુલ પરમારને ઝડપી લેવા વધુ તપાસ થાન પોલીસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો