ઝાલાવાડના દસાડા ગ્રામ્યના માલણપુર પાસે, માલવણ હાઈવે, ચોટીલા ગ્રામ્ય અને ડોળીયા - મૂળી હાઈવે પર ભાડુકા પાસે અકસ્માતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં માંડલ તાલુકાના કડવાસણના વૃધ્ધ દંપતીનું મોત થયુ છે. જયારે સાયલાના ભાડુકા પાસે અજાણ્યા વાહનની ઠોકરે રતનપરના વૃધ્ધ મોતને ભેટયા છે.
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ ગામના 71 વર્ષીય જલાભાઈ મોતીભાઈ ડોડીયા અને તેમના પત્ની 68 વર્ષીય દેવીબેન જલાભાઈ ડોડીયાને માંડલ ખાતે દવા ચાલે છે. આથી તા. 25-10ના રોજ તેમનો ભત્રીજો રાકેશ બાવાભાઈ ડોડીયા બન્નેને લઈને કડવાસણથી માંડલ દવાખાને ગયા હતા. જયાંથી ત્રણેય કારમાં પરત ફરતા હતા. ત્યારે કાર રાકેશભાઈ ચલાવતા હતા. જેમાં દસાડા તાલુકાના માલણપુર પાસે આગળ જતા બાઈકને તારવવા જતા રાકેશભાઈએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તાની નીચે નાળામાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં રાકેશભાઈને ઈજાઓ પહોંચી હતી. જયારે જલાભાઈ અને દેવીબેનને ગંભીર ઈજાઓ થતા મોત થયુ હતુ. આ અંગે મૃતકના પુત્ર અને હળવદ રહેતા રમેશભાઈ જલાભાઈ ડોડીયાએ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ ચલાવી રહ્યા છે. જયારે રતનપરની જુની દર્શન સ્કૂલ પાસે ઉમીયાનગરમાં રહેતા 64 વર્ષીય ભાઈલાલભાઈ ચમનભાઈ મકવાણા મિસ્ત્રીકામ કરે છે. ગત તા. 31-10એ મોડી સાંજે તેઓ સાયલા તાલુકાના ભાડુકા ગામેથી મિસ્ત્રીકામ કરીને બાઈક લઈને રતનપર પરત આવતા હતા. ત્યારે ભાડુકા-મૂળીના રસ્તે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકર મારી હતી. અને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. જેમાં કોઈ રાહદારીએ 108ને ફોન કરતા ભાઈલાલભાઈને મુળી સરકારી દવાખાને લઈ જવાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થતા ભાઈલાલભાઈનું મોત થયુ હતુ. આ અંગે મૃતકના ભાઈ વસંતભાઈ ચમનભાઈ મકવાણાએ સાયલા પોલીસ મથકે અકસ્માત સર્જી ફરાર થનાર અજાણ્યા વાહનચાલક સામે તા. 3ના રોજ સાંજે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એચ.એન.ઝાલા ચલાવી રહ્યા છે.
