ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના કર્મચારી બળવંતસિંહ જીલુભા સોલંકી, તાલુકા પોલીસ મથકના કર્મી ધર્મેન્દ્રસિંહ જગદીશસિંહ ઝાલા અન્ય 2 મિત્રો ક્રીપાલસિંહ વનરાજસિંહ ઝાલા અને બોનીલભાઈ નરેન્દ્રભાઈ દેસાઈ સાથે કાર લઈને તા. 29ના રોજ રાત્રે માલવણ તરફ જતા હતા. ત્યારે હરીપર ગામના પાટીયા પાસે રાતના 11 કલાકના સુમારે રસ્તા પર કોઈ પશુ આડુ ઉતરતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં ક્રીપાલસિંહ અને બોનીલભાઈનું મોત થયુ હતુ. જયારે પોલીસ કર્મીઓ બળવંતસિંહ અને ધર્મેન્દ્રસિંહને ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસની ટીમે દોડી જઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. જયારે લીંબડી તાલુકાના જાંબુ ગામે રહેતા ગનીભાઈ અલજીભાઈ બાબરીયા તેમના પુત્ર ગુલામભાઈ સાથે એકસેસ જાંબુ પરત જતા હતા. જેમાં એકસેસ ગુલામભાઈ ચલાવતા હતા. ત્યારે મોટા ટીંબલાથી નાના ટીંબલાના રસ્તે આખલો આડો ઉતરતા વાહન અથડાતા બન્ને નીચે પટકાયા હતા. જેમાં સારવાર દરમીયાન તા. 23ના રોજ ગનીભાઈનું મોત થયુ હતુ. બનાવની અબ્દુલભાઈ ગનીભાઈ બાબરીયાએ ગુલામભાઈ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એચ.વી.ઝાલા ચલાવી રહ્યા છે. બીજી તરફ મુળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નયગાવ તાલુકાના બલીસા ગામના 35 વર્ષીય બંસીલાલ જીવાભાઈ ખરાડી પરિવાર સાથે હાલ અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલ સાયલા તાલુકાના વખતપર ગામના પાટીયા પાસે રહે છે. તેઓ તથા તેમનો પરિવાર હાઈવે રોડ બનાવવાનું કામ કરતી અરૂણ કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરે છે. તેમના પિતા 55 વર્ષીય જીવાભાઈ દીતાભાઈ ખરાડી ચોટીલા-રાજકોટ હાઈવે પર ચાણપા ગામના પુલ પાસે કામ કરતા હતા. ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા સારવાર માટે પ્રથમ ચોટીલા અને બાદમાં રાજકોટ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમીયાન જીવાભાઈનું મોત થયુ હતુ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: