સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નજીક આવતા પ્રતીબંધીત ચાઈનીઝ દોરી બજારમાં દેખાવા લાગી છે. ત્યારે પોલીસે પણ દસાડાના માનાવાડા, વઢવાણના મુળચંદ, ધ્રાંગધ્રાના મેથાણ અને થાનમાં દરોડા કરીને 4 શખ્સોને 4,71,200ની ચાઈનીઝ દોરી અને કાર સાથે ઝડપી લીધા છે.
સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફનાઓ ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને ચાઈનીઝ દોરી પર પ્રતીબંધ અંગેના જાહેરનામા અંગે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં સ્ટાફને દસાડા તાલુકાના માનાવાડા ગામનો સંજય સોનાજી ઠાકોર તેની વાડીએ ચાઈનીઝ દોરી રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડીની ઓરડીમાંથી સંજય ઠાકોર ચાઈનીઝ દોરીના 384 રીલ કિંમત રૂપીયા 1,53,600 સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આ રીલ તે આદરીયાણાના મયુર નાનુભાઈ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે દસાડા પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. આદરીયાણાના મયુરને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે. બીજી તરફ થાન પોલીસે શાળા નં. 5 પાસે રહેતા જયદીપ જાદવભાઈ સલુરાને તેના ઘર પાસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 4 ફીરકી કિંમત રૂપીયા 1200 સાથે ઝડપી લીધો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકની ટીમને વઢવાણ તાલુકાના મુળચંદ ગામ પાસે એક શખ્સ ચાઈનીઝ દોરીની ફીરકીના થેલા સાથે ઉભો હોવાની વિગતો મળતા રેડ કરી હતી. જેમાં રતનપરની શિવદર્શન ટાઉનશીપમાં રહેતો નરેન્દ્રસિંહ દીલીપસિંહ પરમાર ચાઈનીઝ દોરીની 10 ફીરકી કિંમત રૂપીયા 2 હજાર સાથે ઝડપાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ ઘાંઘર, સંજયભાઈ પાઠક સહિતનાઓએ ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામેથી દસાડા તાલુકાના વઘાડાના 23 વર્ષીય અભય ગીરીશભાઈ પંચાલને ચાઈનીઝ દોરીના 48 ફીરકા 14,400 અને રૂપીયા 3 લાખની કાર મળી રૂપીયા 3,14,400ની મત્તા સાથે ઝડપી લીધો હતો.










