વઢવાણ-ખારવા રોડ પર આવેલ વાડીમાં દારૂની બાતમી મળતા એલસીબી ટીમે રેડ કરી હતી. જેમાં જમીનમાં ખાડો બનાવી તેમાં રાખેલ દારૂની 557 બોટલ કિંમત રૂપીયા 1,54,448ની મળી આવી હતી. બીજી તરફ ધ્રાંગધ્રામાંથી યુવાન વિદેશી દારૂના ચપલા સાથે પકડાયો છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફના એ.એ.ખેર, શકિતસિંહ ચૌહાણ સહિતનાઓને વઢવાણ-ખારવા રોડ પર વાડી ધરાવતો વનરાજસિંહ ભુપતભાઈ સોલંકી તેની વાડીમાં વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વાડીમાં તપાસ કરતા જમીનમાં ખાડો કરી બનાવેલી કુંડીમાં મીણીયાની થેલીમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક પછી એક મીણીયાની થેલીઓ બહાર કાઢી તપાસ કરતા દારૂની 557 બોટલ કિંમત રૂપીયા 1,54,448ની ઝડપાઈ હતી. આથી વઢવાણ પોલીસ મથકે હાજર ન મળી આવનાર આરોપી વનરાજસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ ઉપેન્દ્રસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના એએસઆઈ એ.કે.રાઠોડ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન શહેરના આંબેડકરનગર રેલવે નાળા પાસે ઉભેલ ગૌતમ પરમાર પાસે વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. આથી તપાસ કરતા ઘાંચીની વાડી ચબુતરા પાસે રહેતો 32 વર્ષીય ગૌતમ ઉર્ફે ગવો કેશવભાઈ પરમાર વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂપીયા 125 સાથે પકડાયો હતો. આ શખ્સ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.
