સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગ્રામ્યના સીધ્ધસર-નળીયા રોડ, વિરમગામ - લખતર હાઈવે પર કડુ પાસે, સુરેન્દ્રનગર - મૂળી હાઈવે પર ગોદાવરી નજીક અને ચોટીલા નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં વિરમગામ ગ્રામ્યના પિતા - પુત્ર, રાજકોટના કલરકામ કરતા બે શ્રમીકો સહિત કુલ 6ને ઈજાઓ પહોંચતા નજીકના દવાખાને લઈ જવાયા છે. પોલીસે અકસ્માતની ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળી તાલુકાના નળીયા ગામે રહેતા ઋતુરાજસિંહ સહદેવસિંહ પરમાર સાયલાના જશાપરમાં આવેલ લાલગુરૂ સ્ટોન ઈન્ડસ્ટ્રીઝમાં મહેતાજી તરીકે કામ કરે છે. ગત તા. 7-11ના રોજ તેઓ સીધ્ધસરના રસ્તેથી નળીયા પોતાના ઘરે બાઈક લઈને જતા હતા. જેમાં એક ટ્રેકટર ચાલકે પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ઋતુરાજસિંહને સારવાર માટે પ્રથમ મુળી સીએચસી ખાતે અને બાદમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે મુળી પોલીસ મથકે ઈજાગ્રસ્ત ઋુતુરાજસિંહના ભાઈ યુવરાજસિંહ પરમારે ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી જી.કે.ચાવડા ચલાવી રહ્યા છે. જયારે વિરમગામ તાલુકાના કમીજલા ગામના 40 વર્ષીય લખમણભાઈ રામલાલ વાંટીયા અને તેમનો પુત્ર 18 વર્ષીય સુનીલ લખમણભાઈ વાંટીયા ગત તા. 24-11ના રોજ બાઈક લઈને વિરમગામ-લખતર હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે લખતર તાલુકાના કડુ પાસે કારની ઠોકર વાગતા બન્ને પિતા-પુત્ર નીચે પટકાયા હતા. જેમાં બન્નેને ઈજા થતા સારવાર માટે લખતર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાંથી સુનીલભાઈને સુરેન્દ્રનગર રીફર કરાયા છે. બનાવની જાણ થતા લખતર પોલીસની ટીમે દોડી જઈ ઈજાગ્રસ્તોના નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
