સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ કેન્દ્ર સરકાર સંચાલીત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે આગામી તા. 28મી નવેમ્બરને શનીવારે પ્રવેશ પરીક્ષા યોજાનાર છે. જિલ્લાના 10 તાલુકાના 35 કેન્દ્રો પરથી નોંધાયેલા 7,629 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપશે. હાલ આ પરીક્ષા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધ્રાંગધ્રાના હળવદ રોડ પર જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે. કેન્દ્ર સરકાર સંચાલીત શાળામાં ધો. 6થી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. અને સીબીએસઈ અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરાવાય છે. જેમાં અભ્યાસ સાથે વિદ્યાર્થીઓને રહેવા તથા જમવાની સગવડતા પણ ત્યાં જ હોય છે. ત્યારે હાલ ધો. 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આગામી વર્ષે પ્રવેશ માટે પરીક્ષા આપનાર છે. ત્યારે આગામી 28 નવેમ્બરે સમગ્ર દેશની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નવોદય વિદ્યાલયમાં ધો. 6માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝાના માર્ગદર્શન નીચે મદદનીશ શિક્ષણ નિરીક્ષક બી.ડી.રાણવા દ્વારા સમગ્ર પરીક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી રહી છે. જેમાં પરિક્ષા માટે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં 35 પરીક્ષા કેન્દ્રોમાં 322 બ્લોક બનાવાયા છે. આ પરીક્ષા માટે જિલ્લાભરમાં 7,629 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ. હાઈસ્કૂલને ઝોનસ્થળ બનાવાયુ છે. જયાંથી પેપરો તા. 28મીના રોજ સવારે પરીક્ષા કેન્દ્રો પર જશે. જિલ્લાની દરેક પ્રાથમીક શાળાના આચાર્યોને પરિક્ષા સબંધીત માહીતી પરિક્ષા આપનાર છાત્રો સુધી પહોંચે અને હોલ ટીકીટ સમયસર મળી જાય તે અંગે સુચનાઓ અપાઈ છે. પરીક્ષા દરમીયાન દરેક પરીક્ષા સ્થળે આરોગ્યની ટીમ, પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. જયારે પરીક્ષા માટે 35 સ્થળ સંચાલક અને 35 પરિક્ષા કેન્દ્ર નીરીક્ષકના ઓર્ડરો પણ કરી દેવાયા છે. તા. 25ના રોજ પરીક્ષાના ઝોનલ અધીકારીએ પરીક્ષા કેન્દ્રોની અને ધ્રાંગધ્રા સ્થીત જવાહર નવોદય સ્કુલની વીઝીટ કરી શાળાના આચાર્ય સાથે પરીક્ષા સબંધીત વ્યવસ્થાની ચકાસણી પણ કરી હતી. આ પરિક્ષા તા. 28મીના રોજ સવારે 10-30 કલાકે શરૂ થશે. જેમાં છાત્રોને 3 સેકશનમાં ઓબ્જેકટીવ ટાઈપના સવાલોના જવાબો આપવાના રહેશે. પ્રથમ સેકશનમાં 50 ગુણના 40 પ્રશ્નો માટે 60 મીનીટના સમયમાં છાત્રોને મેન્ટલ એબીલીટી ટેસ્ટ અને એન્વાયરમેન્ટલ સ્ટડીઝ વિશે પુછાશે. જયારે બીજા સેકશનમાં 25 ગુણના 20 પ્રશ્નો એરીથમેટીક પર પુછાશે. જેના માટે છાત્રોને 30 મીનીટ મળશે. આ ઉપરાંત અંતીમ સેકશનમાં ભાષાને લગતા 25 ગુણના 20 સવાલો માટે પરિક્ષાર્થીઓને 30 મીનીટ મળશે.
