સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય પંથકોમાં અજગર નીકળવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે અજગરે દેખા દીધી હતી. ત્યારે ફરી મૂળી પંથકમાં અજગર નજરે પડયો છે. વધુમાં મળતી માહિતી મુજબ મૂળી તાલુકાના ટીકર ગામની સીમમાં અજગર હોવાની જાણ સ્થાનીક લોકોએ વન વિભાગને કરી હતી. જેમાં મુળી રેન્જ ફોરસ્ટ ઓફીસર પ્રવિણસિંહ ચૌહાણના માર્ગદર્શનથી ગઢડા રાઉન્ડ ફોરસ્ટર મનસુખભાઈ સાકરીયા, પરાક્રમસિંહ પરમાર, રાજભા ઝાલા સહિતનાઓએ ટીકર દોડી જઈ અંદાજે 9 ફુટ લાંબા અજગરનું રેસ્કયુ કર્યુ હતુ. અને તેને કુદરતી વન વિસ્તારમાં વિચરતો મુકાયો હતો.