દસાડાના ખેરવા ગામે બેફામ બનેલા બુટલેગરે આતંક મચાવી પરીવાર ઉપર ર વાર કાર ચડાવી દઈ મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં અંતે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
ખેરવા ગામે બુટલેગરે ગત તા. 1લીએ રાત્રે આતંક મચાવ્યો હતો. જેની બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાંથી મળતી માહીતી મુજબ ખેરવા ગામે અલાઉદ્દીનભાઈ ખુદાબક્ષભાઈ બેલીમ રહે છે. તેમનો 18 વર્ષીય પુત્ર નવાબ તા. 1લીએ રાત્રે ગામના સ્મશાન પાસે મિત્રો સાથે તાપણુ કરીને બેઠો હતો. આ સમયે એકટીવા લઈને આબીદ હબીબભાઈ ખલીફા આવ્યો હતો. અને પોતાનું એકટીવા ઉભુ રાખી તેની ચાવી કાઢી દુર ઘા કરી તાપણુ કરતા લોકોને જાવ મારી ચાવી શોધી આવો તેમ કહ્યુ હતુ. જેમાં નવાબ સહિતનાઓએ ના પાડતા નેફામાંથી છરી કાઢી આબીદે બોલાચાલી કરી હતી. અને ઉભા રહો હું કાર લઈને આવુ છુ તેમ કહી એકટીવા લઈને જતો રહ્યો હતો. નવાબે ઘરે જઈને આ વાત તેના પિતાને કરતા અલાઉદ્દીનભાઈ આબીદને સમજાવવા જતા હતા. ત્યારે આબીદે સામેથી કાર લઈને આવી અલાઉદ્દીનભાઈ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અલાઉદ્દીનભાઈ ખસી જતા આબીદે કાર ઉભી રાખી ચાલુ કારે છરી વડે હુમલો કરી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. જેમાં અલાઉદ્દીનભાઈને લોહી નીકળતા પત્ની અફસાનાબેન, સાળી ફરીદાબેન અને પુત્ર નવાબ સાથે દવાખાના તરફ જતા હતા ત્યારે ફરી આબીદ કાર લઈને આવ્યો હતો અને પરિવાર પર કાર ચલાવી હતી. જેમાં ફરીદાબેનના પગે ઈજા પહોંચી હતી. જયારે અફસાનાબેન ફંગોળાઈને દુર પડયા હતા. આથી તેઓને 108 દ્વારા દવાખાને લઈ જવાયા હતા. આ બનાવમાં હત્યાના પ્રયાસની કલમો સાથે આબીદ ખલીફા સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.










