થાનગઢ તાલુકામાં વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા દરમિયાન મંગળવારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના શિખર પર બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. આ પાવન અવસરે સંતો-મહંતો દ્વારા સૌપ્રથમ ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તરણેતરની પરંપરા મુજબ વાજતે-ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી. આ તકે વિસામણબાપુની જગ્યાના મહંત નિર્મળાબાએ જણાવ્યું હતું કે, ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ધ્વજા ચડાવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. શોભાયાત્રા મંદિર ખાતે પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીએ પૂજાવિધિ કરાવી હતી. ત્યારબાદ ત્રિ-નેત્રેશ્વર મહાદેવના શિવાલય પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
