સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના ઓવનગઢ ગામે રહેતા યુવાનને ગત નવરાત્રી સમયે ગામના એક શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે થયેલ મનદુઃખ બાદ સમાધાન માટે તા. 6ના રોજ નીંભણી ડેમના 10 દરવાજાના પુલ પર પાર્ટી યોજાઈ હતી. જેમાં 3 શખ્સોએ યુવાનને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેમાં તા. 9ના રોજ યુવાનનું સારવાર દરમીયાન મોત થયુ હતુ.
સાયલા તાલુકાના ઓવનગઢ ગામે રહેતા 30 વર્ષીય રામજીભાઈ જેસીંગભાઈ ડાભી ખેતી કરે છે. ગત નવરાત્રી સમયે તેઓને ગામના રમેશ ઉર્ફે ગડો જાદવભાઈ સરવૈયા સાથે બોલાચાલી થઈ હતી. જેમાં બન્ને વચ્ચે મનદુઃખ ચાલતુ હતુ. દિવાળીના તહેવારો ચાલતા હોઈ તા. 6ના રોજ રમેશ સરવૈયાએ રામજીભાઈને ફોન કરીને ઝઘડામાં સમાધાન કરી લઈએ અને પછી પાર્ટી કરીશુ તેમ કહીને રાતના સમયે નીંભણી ડેમના 10 દરવાજા પર આવેલ પુલ પર બોલાવ્યા હતા. આ સમયે રમેશની સાથે ગઢ શીરવાણીયાનો જયસુખ ઉર્ફે કુકો ધુડાભાઈ સરવૈયા અને કીશન ભગાભાઈ ઝાંપડીયા હતા. સમાધાન માટે બોલાવી ત્રણેય શખ્સોએ રામજીભાઈને દારૂ પીવડાવી તને બહુ હવા છે, તને આજ પતાવી દેવાનો છે કહી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને ફરાર થઈ ગયો હતો. ડેમના ચોકીદારને તા. 7ના રોજ સવારે રામજીભાઈ પુલ પર મળી આવતા પરિવારજનોને જાણ કરાઈ હતી.
