સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર તા. 1-1-2021ના રોજ બનેલ મારામારીના બનાવમાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેના બન્ને કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બન્ને પક્ષે 5 આરોપીઓને સજા ફટકારી ન્યાય કર્યો છે.
સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ સંતોષપાર્કમાં રહેતા ગીરીશભાઈ અજમલભાઈ મકવાણા તા. 1-1-2021ના રોજ પોતાના ઘર તરફ ચાલીને જતા હતા. ત્યારે પૈતૃક જમીનમાં દખલગીરીના મનદુઃખને લઈને ભરત આલજીભાઈ ગોહીલ, હીતેશ નાથાભાઈ પરમાર, નાથા મઘાભાઈ પરમાર અને જશીબેન ભરતભાઈ ગોહિલે એક સંપ કરી છરી અને લોખંડના પાઈથી હુમલો કરી ગીરીશભાઈને ઈજા પહોંચાડી હતી. બીજી તરફ જશીબેન ભરતભાઈ ગોહીલે નોંધાવેલી ફરીયાદમાં અગાઉના મનદુઃખને લઈને ગીરીશ અજમલભાઈ મકવાણા અને જશીબેન ગીરીશભાઈ મકવાણાએ બોલાચાલી કરી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. બનાવની સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેના બન્ને કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચાલી ગયા હતા. જેમાં બન્ને પક્ષે સરકારી વકીલો એમ.પી.સભાણી અને આર.બી.રાઓલની દલીલો, 25 મૌખીક અને 35 દસ્તાવેજી પુરાવાના આધારે સેશન્સ જજ કે.આર.ઉપાધ્યાયે જજમેન્ટ આપ્યુ હતુ. જેમાં ભરત ગોહીલ, હીતેશ પરમાર, નાથા પરમાર અને જશીબેન ગોહીલને 7 વર્ષની સજા ફટકારાઈ છે. જયારે સામાપક્ષે ગીરીશ મકવાણાને 6 માસની સજા સંભળાવાઈ છે.
