સુરેન્દ્રનગર એલસીબી ટીમે દસાડા તાલુકાના સાવડા ગામ પાસેથી પુંઠાની આડમાં લખતર લઈ જવાતી દારૂની 1992 બોટલ સહિત રૂપીયા 11.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ દસાડાના નવરંગપુરા અને સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસેથી દારૂ સાથે શખ્સો ઝડપાયા છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ સહિતનાઓને પાટડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન સાવડા ગામના બોર્ડ પાસેથી એક કેરી લોડીંગ વાહનમાં પુંઠાની આડમાં દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળુ વાહન આવતા તેને રોકી તપાસ કરાઈ હતી. જેમાં ચાલક પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રાડા ગામનો વિષ્ણુ નારસંગભાઈ ઠાકોર વિદેશી દારૂની 1992 બોટલો સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ થરાદના અમરતભાઈ ઠાકોરે ભરી આપ્યો હોવાનું તથા લખતર મોકલવાનો હોવાનું જણાવ્યુ હતુ. જેના બદલામાં અમરત એક ટ્રીપના 3 હજાર આપતો હતો. અઠવાડીયા પહેલા પણ આ જ રીતે તે દારૂ ભરેલ વાહન લખતરની એક હોટલે લઈ ગયો હતો. જેમાં એક શખ્સ વાહન લઈ જઈ દારૂ ખાલી કરી આપી ગયો હતો. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ સહિત રૂપીયા 11,10,760નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ આરોપી ઉપરાંત દારૂ મોકલનાર, મંગાવનાર, વાહનના માલીક સહિતનાઓ સામે ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ ડી.કે.સોલંકી ચલાવી રહ્યા છે. જયારે પાટડી પોલીસને પેટ્રોલીંગ દરમીયાન નવરંગપુરા ગામ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભેલો નજરે પડયો હતો. આથી તપાસ કરતા તેના પેન્ટના નેફામાંથી દારૂની નાની બોટલ મળી આવી હતી. આથી પોલીસે વિરમગામ તાલુકાના કરકથલ ગામના કીરણભાઈ રતીલાલ પરમારને રૂપીયા 375ની દારૂની બોટલ સાથે ઝડપી લઈ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેશન પાસે જાહેર રસ્તા પરથી વઢવાણના નકલંકપરામાં રહેતો રણજીત ઘનશ્યામભાઈ કોડીયા વિદેશી દારૂના ર ચપલા કિંમત રૂપીયા 200 સાથે પકડાયો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: