જેતપુર પંથકમાં રહેતા યુવક અને સગીરા ભાગી ગયા હતા. અજમેર ફરીને પરત સુરેન્દ્રનગર પહોંચેલા આ બન્ને સુરેન્દ્રનગર રેલવે પોલીસના હાથે રેલવે સ્ટેશનેથી પકડાતા બન્નેને જેતપુર ઉદ્યોગનગર પોલીસના હવાલે કરાયા છે.સુરેન્દ્રનગર રેલવે પીએસઆઈ સી.પી.બાવળીયાની સુચનાથી સ્ટાફના દીગપાલસિંહ, પ્રવીણભાઈ, યુવરાજસિંહ, મયુરધ્વજસિંહ સહિતનાઓ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે રેલવે સ્ટેશનના મુસાફર ખાના પાસે એક યુવક અને સગીરા એકલા બેસેલી હાલતમાં જણાયા હતા. બન્નેની હીલચાલ પણ શંકાસ્પદ લાગતા પોલીસે બન્નેને પોલીસ મથકે લાવી પુછપરછ કરી હતી. જેમાં 15 વર્ષીય સગીરા અને 19 વર્ષીય યુવક જેતપુર પંથકમાં ભરાતા મેળામાં મળ્યા હતા. અને બન્નેની આંખ મળી જતા બન્ને ફરાર થઈ ગયા હતા. બાદમાં તેઓ ટ્રેન દ્વારા અજમેર ફરીને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરત આવ્યા હતા. આ બન્નેના માતા-પિતાની તપાસ કરાતા યુવક સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે પોકસોની કલમો સાથેની આ અંગે તા. 7-10-26ના રોજ ફરિયાદ પણ નોંધાઈ હતી. આથી રેલવે પોલીસે જેતપુર ઉદ્યોગનગર પોલીસને જાણ કરતા ત્યાંની પોલીસે આવી બન્નેનો કબજો સંભાળ્યો હતો. આમ, સુરેન્દ્રનગર રેલવે પોલીસની સતર્કતાથી ભાગેલા સગીરા અને યુવક ઝડપાયા છે.