વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા યુવાનના દાદાએ અગાઉ કરેલ ફરિયાદમાં યુવાન સમાધાન ન થવા દેતો હોવાનું મનદુઃખ રાખી 4 શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા 35 વર્ષીય સંજયભાઈ નારાયણભાઈ ટમાલીયા ખેતી કરે છે અને સાથે સાથે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં સુપરવાઈઝર તરીકે કામ કરે છે. તા. 9-12ના રોજ બપોરે તેઓ ખોડુથી હોસ્પીટલ બાઈક લઈને જતા હતા. ત્યારે નગરા પાસે તેમની પાછળ કોઈ વાહને અકસ્માત કરતા તેઓ પડી ગયા હતા. આ સમયે નગરાનો બાબુ નાથાભાઈ કલોતરા, સંજય જીલાભાઈ કલોતરા કાર લઈને આવ્યા હતા. અને કારમાંથી લોખંડનો પાઈપ લઈને બન્નેએ અગાઉ તારા દાદા છગનભાઈ મોહનભાઈ ટમાલીયાએ અમારી ઉપર ફરિયાદ કરેલ છે તેમાં તું કેમ સમાધાન થવા દેતો નથી તેમ કહી માર માર્યો હતો. આ સમયે જ બાઈક પર બાબુ લાભુભાઈ કલોતરા અને લાલા જગાભાઈ કલોતરા લાકડાનો ધોકો લઈને આવ્યા હતા. અને અપશબ્દો કહી સંજયભાઈને માર માર્યો હતો. જયારે આજે તો તું બચી ગયો છે, હવે અમારી સામે આવીશ તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. આ બનાવમાં સંજયભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ બી.એન.ચાવડા ચલાવી રહ્યા છે.










