ચોટીલાની સોમેશ્વર સોસાયટી પાસે આવેલ હનુમાનજીના મંદિર પાસે ગેરકાયદેસર હથીયારની બાતમીને આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં જાનીવડલાનો યુવાન પીસ્ટલ સાથે પકડાયો હતો. આ શખ્સને હથીયાર વેચાણથી દેવા આવનાર ગેડીયાનો યુવાન પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધી ફરાર થનાર શખ્સને ઝડપી લેવા વધુ તપાસ આદરાઈ છે. ચોટીલા પોલીસ મથકના બીટ જમાદાર બી.એલ.પરમાર, જે.પી.ડોડીયા સહિતનાઓને રાત્રે પેટ્રોલીંગ દરમીયાન ચોટીલાની સોમેશ્વર સોસાયટી પાસે આવેલ પરમેશ્વર હનુમાનજીના મંદિરે બેસેલ ર શખ્સોમાંથી 1 પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ ર ઈસમો નાસવા લાગ્યા હતા. જેમાં પોલીસે 1ને ઝડપી લીધો હતો. જયારે બીજો અંધારાની આડમાં બાવળમાં ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા શખ્સની તપાસ કરતા તે જાનીવડલાનો 38 વર્ષીય રણુ અનકભાઈ ખાચર હતો અને તેની પાસેથી પ કાર્ટીસ ભરેલી પીસ્ટલ મળી આવી હતી. આ શખ્સની પુછપરછ કરતા નાસી જનાર શખ્સ દસાડા તાલુકાના ગેડીયાનો અહેમદ સબરખાન મલેક હોવાનું તથા તે પીસ્ટલ વેચાણથી દેવા આવ્યો હોવાનું જણાવ્યુ હતુ. આથી પોલીસે રૂપીયા 25 હજારની પીસ્ટલ, રૂપીયા 500ના 5 કાર્ટીસ, 10 હજારનો મોબાઈલ, 25 હજારના બાઈક મળી કુલ રૂપીયા 60,500નો મુદ્દામાલ જપ્ત કરી બન્ને સામે ચોટીલા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો છે. ફરાર અહેમદ મલેકને ઝડપી લેવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો