સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર આવેલ કંપનીની પાછળના કાચા રસ્તા પરથી રતનપરના સુધારા પ્લોટમાં રહેતો યુવાન તા. 23-9ના રોજ 2.24 ગ્રામ પ્રતીબંધીત એમ.ડી.ડ્રગ્સ સાથે પકડાયો હતો. આ યુવાન પાસેથી ડ્રગ્સ ખરીદનાર ચોટીલાના શખ્સને પોલીસે પકડી પાડયો છે. સુરેન્દ્રનગર એસઓજી ટીમને તા. 23-9ના રોજ શહેરના રાજકોટ રોડ પર આવેલ મેકસન ફાર્મા ફેકટરી પાછળના કાચા રસ્તે સુધારામાં રહેતો સમીર કટીયા એમ.ડી. ડ્રગ્સ સાથે પસાર થનાર હોવાની બાતમી મળતા વોચ રાખી હતી. જેમાં રપ વર્ષીય સમીર યુસુબભાઈ કટીયાને પ્રતીબંધીત એમ.ડી. ડ્રગ્સ 2.24 ગ્રામ કિંમત રૂપીયા 6720 અને 2 મોબાઈલ સહિત રૂપીયા 16,720ની મત્તા સાથે ઝડપી લેવાયો હતો. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ કરતા અધીકારી બી ડીવીઝન પીએસઆઈ એમ.બી.જેબલીયાએ આરોપીના રીમાન્ડ દરમીયાન પુછપરછ કરતા તેની પાસેથી ચોટીલાનો મંગળુ ધાંધલ ડ્રગ્સ લઈ જતો હોવાનું ખુલ્યુ હતુ. ત્યારે છેલ્લા થોડા સમયથી પોલીસ ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી મંગળુ ધાંધલને પોલીસે ઝડપી લઈ જોરાવરનગર પોલીસના હવાલે કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો