સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં લખતર-વિરમગામ હાઈવે, પાટડી-જરવલા રોડ અને સાયલા હાઈવે પર અકસ્માતના 3 બનાવો બન્યા છે. જેમાં 4 વર્ષીય બાળક, દંપતી સહિત 6 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.
અકસ્માતના બનાવો અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લખતર તાલુકાના તલવણી ગામનો પરિવાર માતાજીના દર્શન અર્થે છકડામાં કડુ જતો હતો. ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર રામઝુંપડી હોટલ નજીક સામેથી આવતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડામાં સવાર 4 વર્ષના બાળક આયુષ કરણભાઈ જખોડીયાને ઈજાઓ પહોંચી હતી. જયારે બાઈક પર સવાર શૈલેષ અને રાજનાથ જીઆઈડીસીમાં આવેલ માઈક્રોબાયો પોલીમર્સમાંથી ગેસની રીફીલ ભરાવવા લખતર જતા હતા. આ બન્ને બાઈક સવારોને પણ ઈજાઓ પહોચી હતી. 108 અને ખાનગી વાહનો દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે લખતર સરકારી દવાખાને અને ત્યાંથી સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જયારે લખતરમાં રહેતા હાર્દીકભાઈ લાલજીભાઈ દેકાવડીયા અને તેમના પત્ની દક્ષાબેન કાર લઈને સવલાસથી જરવલા તરફ જતા હતા. ત્યારે જરવલા નજીક મીઠાની કંપની પાસે રસ્તાના વળાંક પર હાર્દીકભાઈએ કાર પરથી કાબુ ગુમાવતા કાર નાળાની દીવાલ સાથે ટકરાઈ હતી અને નીચે ઉતરી ગઈ હતી. આ બનાવમાં દંપતીને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે પાટડી સરકારી હોસ્પીટલ લઈ જવાયા હતા. બીજી તરફ સાયલાના સતવારાપરામાં રહેતા કરશનભાઈ ઉકાભાઈ ચૌહાણ ખેતી કરે છે. તા. 23-12ના રોજ સાંજે તેઓ બાઈક લઈને પોતાની વાડીએથી ઘર તરફ આવતા હતા. ત્યારે ક્રીષ્ના કાઠીયાવાડી હોટલ સામે કટ ક્રોસ કરવા જતા સાયલા તરફથી આવતી કારે તેમને અડફેટે લીધા હતા. જેમાં કરશનભાઈ ફંગોળાયા હતા. અને 108 દ્વારા તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. જેમાં માથામાં, છાતીમાં ઈજા પહોંચી હતી. તથા પાંસળી ભાંગી જવાથી ફેફસામાં પાણી ભરાયા હતા. આ અંગે તા. 25ના રોજ મોડી સાંજે સાયલા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.એલ.લીંબડીયા ચલાવી રહ્યા છે.










