સુરેન્દ્રનગર ચીફ કોર્ટે વર્ષ 2025ના નવેમ્બર માસમાં ચેક રિટર્નના 2 કેસમાં જોરાવરનગરના યુવાનને 1 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. આ આરોપીનું ધરપકડ વોરંટ ઈસ્યુ થયુ હતુ. જેમાં જોરાવરનગર પોલીસે આરોપીને મહેસાણા જિલ્લાના વીસનગરમાંથી ઝડપી કોર્ટ હવાલે કર્યો છે.


જોરાવરનગરની શાળા નં. 9ની ગલીમાં 38 વર્ષીય નીકુંજ વીનુભાઈ પરમાર ઉર્ફે રાજા મેલડી રહે છે. તેની સામે સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં ચેક રિટર્નના 2 કેસ થયા હતા. ગત નવેમ્બર માસમાં કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 1 વર્ષની સજા અને ચેકની રકમ રૂપીયા 15 લાખ તથા 2.85 લાખ ચુકવવા હુકમ કર્યો હતો. જયારે આરોપીની ધરપકડ માટે પકડ વોરંટ ઈસ્યુ કર્યુ હતુ. ત્યારે જોરાવરનગર પીઆઈ એચ.જે.ગોહીલની સુચનાથી બીટ જમાદાર મુળજીભાઈ મકવાણા આ અંગે તપાસ કરી રહ્યા હતા. જેમાં નીકુંજ જોરાવરનગરની જ એક યુવતીને ભગાડીને લઈ ગયો છે અને બન્ને મૈત્રી કરારથી મહેસાણા જિલ્લાના વીસનગરના સવાલા બસ સ્ટેશન પાસે આવેલ પ્રજાપતી મહોલ્લામાં રહેતા હોવાનું સામે આવ્યુ હતુ. જોરાવરનગરમાં રહેતો નીકુંજ રાજા મેલડીના નામે દાણા જોવાનું કામ કરતો હોવાથી પોલીસે ફોન કરી દાણા જોવડાવવાનું કહી ટ્રેપ ગોઠવી હતી. અને નીકુંજે બોલાવતા બીટ જમાદાર મુળજીભાઈ મકવાણા અને મહિલા કોન્સ્ટેબલ શીતલબેન મકવાણા સહિતનાઓએ વીસનગરથી તેને ઝડપી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજુ કરીને તેને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: