સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં વરસાદની આગાહી જોવા મળે છે. જેમાં તા. 3જીને બુધવારે દિવસભર તડકો પડયા બાદ સાંજના સમયે મેઘાડંબર છવાયુ હતુ. અને મેઘગર્જના, વીજળીના કડાકા-ભડાકા સાથે દસાડા અને સાયલા તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ગ્લોબલ વોર્મીંગના લીધે 12 માસમાં અનેક વખત કમૌસમી વરસાદ વરસે છે. તેમાં પણ છેલ્લા થોડા વર્ષોથી ચોમાસાના મંડાણ પહેલા પ્રી મોન્સુન એકટીવી અંતર્ગત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં ગત ચોમાસા વર્ષ 2025ની વાત કરીએ તો 4 જુન સુધીમાં 58 મીમી વરસાદ જિલ્લાભરમાં થયો હતો. જયારે આ વર્ષે પણ આ સ્થીતી જળવાઈ રહી છે અને 4 જુન સુધીમાં 260 મીમી વરસાદી પાણી પડયુ છે. ચોમાસા પહેલાના વરસાદને લઈને જિલ્લામાં ખાસ કરીને કપાસનું આગોતરૂ વાવેતર કરનાર ખેડુતો મોજમાં આવી ગયા છે. જિલ્લામાં તા. 1 જુનને રાત્રે પડેલા વરસાદ બાદ ફરી તા. 3 જુનના રોજ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસભર ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજે કાળા ડીબાંગ વાદળો સાથે મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેમાં દસાડા અને સાયલા તાલુકામાં કરા સાથે વરસાદ પડયો હતો. જેમાં સાયલામાં સૌથી વધુ 59 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે સુરેન્દ્રનગર-વઢવાણમાં 4 મીમી, ચોટીલા અને થાન તાલુકાઓમાં 1 મીમી વરસાદ પડયો હતો. જોકે, બુધવારે સાંજે હવામાન પલટા બાદ ગુરૂવારે ફરી ગરમી યથાવત જોવા મળી હતી. અને લોકો અસહ્ય બફારાનો અનુભવ કરતા હતા. જિલ્લામાં આજે પણ હળવા ઝાપટાની આગાહી કરાઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: