સાયલાના ચોરવીરા ગામે શ્રામીક ઉપર લોખંડની ફરસી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ અંગે ધજાળા પોલીસ મથકે કુલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
ચોરવીરા ગામે રહેતા અશોકભાઈ રણછોડભાઈ જીડીયા મજુરી કરે છે. 12 માસ પહેલા ગામના જયરાજ લઘરાભાઈ પટગીરે અશોકભાઈના પત્નીની છેડતી કરી હતી. અને બાદમાં 3-4 મહિના પછી જયરાજ અને તેના માણસોએ અશોકભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ બાબતે પોલીસ ફરિયાદ પણ ધજાળા પોલીસ મથકે થઈ હતી. ગત તા. 7-7ના રોજ રાત્રે અશોકભાઈ ગામની ડેરીએ દુધ લેવા જતા હતા. ત્યારે કાલા કલરની સ્કોર્પીયો કાર લઈને જયરાજ પટગીર અને 3 અજાણ્યા ઈસમો આવ્યા હતા. અને કેસ પાછો ખેંચી લેજે તેમ કહી અશોકભાઈ ઉપર લોખંડની ફરસી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે અશોકભાઈનો મોબાઈલ અને તેમના ખીસ્સામાં રહેલ રૂપિયા 30-35 હજારની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં પગ અને માથાના ભાગે અશોકભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે 108 દ્વારા બોટાદની ખાનગી હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે ધજાળા પોલીસ મથકે જયરાજ પટગીર અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ખુનની કોશિષની ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે.
