સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં મ્યુલ એકાઉન્ટ અંતર્ગત 10થી વધુ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ધ્રાંગધ્રામાં આ ફરિયાદ અંતર્ગત ઝડપાયેલા 2 આરોપીઓએ એડીશનલ સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજુર કરી છે.
સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે નજીવા પૈસાની લાલચે એકાઉન્ટમાં રૂપીયા ઓનલાઈન ટ્રાન્સફર કરવા દેવાના કેસમાં ફરિયાદોનો દૌર શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને મળેલ મ્યુલ એકાઉન્ટના આધારે સાયબર ફ્રોડની 10થી વધુ ફરિયાદો જિલ્લામાં નોંધાઈ છે. જેમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આરોપી ચીરાગ મધુકરભાઈ વડોદરીયા, દશુભા ઝાલાને તાજેતરમાં સીટી પીઆઈ એમ.યુ.મશી સહિતની ટીમે ઝડપી લીધા હતા. જેલવાસ ભોગવતા આ બન્ને આરોપીઓએ ધ્રાંગધ્રા ત્રીજી એડીશનલ અને ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા સરકારી વકીલ પી.બી.મકવાણાએ દલીલો કરતા જણાવ્યુ કે, આ બન્નેએ સાહેદોના ખાતામાં રૂપીયા 48 લાખ કરતા વધુ રકમ જમા કરાવી રોકડમાં રૂપાંતરીત કરી રાજકોટ રહેતા અમન કાસમભાઈ નામના શખ્સને મોકલી હોવાનું તપાસમાં ખુલ્યુ છે. આ આરોપીને પોલીસને પકડવાનો બાકી છે. ત્યારે સાયબર ફ્રોડના વધતા ગુનાઓને ધ્યાને લઈ ગુનાના મુળ સુધી પહોંચવા માટે આરોપીઓની જામીન અરજી નામંજુર કરવા જણાવ્યુ હતુ. આથી ધ્રાંગધ્રા ત્રીજા એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એમ.પી.ચૌધરીએ બન્ને અરજદાર આરોપીઓની જામીન અરજી નામંજુર કરી છે.










