વઢવાણમાં રહેતા અને સુરેન્દ્રનગરની PNBમાં ખાતુ ધરાવતા યુવાનના બેંક ખાતામાં જેમાં શંકાસ્પદ વ્યવહારો ધ્યાને આવતા પોલીસે પુછપરછ કરી ગત ડિસેમ્બર માસમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધી હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા એકાઉન્ટ ધારક અને અન્ય એક આરોપીની જામીન પર મુકત થવાની અરજી કોર્ટે નામંજૂર કરી છે.
સુરેન્દ્રનગરની પંજાબ નેશનલ બેંકમાં ખાતુ ધરાવતા વઢવાણના નવા દરવાજા બહાર રહેતા અવન અબ્દુલભાઈ માંકડના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો ધ્યાને આવતા એ ડીવીઝન પોલીસે બોલાવી પુછપરછ કરી હતી. જેમાં વઢવાણ શિયાણીપોળમાં રહેતા કુલદીપસિંહ અનીરૂધ્ધસિંહ ચાવડા પાસે તેઓએ ઉધાર પૈસા માંગતા તેઓએ એકાઉન્ટમાં પૈસા ઉપાડી અને પરત દેવા બદલ પાંચ લાખના રૂ. 2500 આપવાની વાત કરી હતી. જેમાં ગત જાન્યુઆરી માસમાં 3,94,182 રૂપીયાનું ટ્રાન્ઝેકશન કરાતા તેણે બે હજાર આપ્યા હતા. આ ફરિયાદ નોંધાયા બાદ તપાસ અધીકારી પીએસઆઈ એચ.એસ.જાડેજાએ અવન માંકડની પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, કુલદીપસિંહના કહેવાથી ખાતામાં આવેલા પૈસા લક્ષ સુરેશભાઈ કંબોયા સાથે મળીને બેંકમાંથી ઉપાડી કુલદીપસિંહના કહેવા મુજબ આણંદ, વિદ્યાનગર અને સુરત જેવા સ્થળોએ આંગડીયુ કરવામાં આવ્યા હતા. આથી પોલીસે બન્નેને ઝડપી જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલવાસ દરમિયાન બન્નેએ જામીન પર મુકત થવા અરજી કરી હતી.










