વઢવાણના જીઆઈડીસી ગાર્ડન પાસે ત્રણ માળીયા પાસેથી અને વઢવાણની વિકાસ વિદ્યાલય બહારથી બાઈક ચોરાયાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથક અને વઢવાણ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. પોલીસે બન્ને બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુળ ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામના 21 વર્ષીય ભૌતીકભાઈ મનસુખભાઈ પટેલ હાલ વઢવાણ જીઆઈડીસી ગાર્ડન પાસે આવેલ ત્રણ માળીયામાં રહે છે. તા. 11-11ના રોજ સાંજે તેઓ તેમના ભાઈ નીગમ સાથે નાસ્તો કરવા ગયા હતા. અને બાઈક તેઓએ ફલેટ નીચે પાર્ક કર્યુ હતુ. નાસ્તો કરીને બન્ને ભાઈઓ પરત આવતા તેઓનું બાઈક નજરે પડયુ ન હતુ. આથી આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા તેઓએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે રૂપીયા 15 હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ એમ.એમ.ઉત્તેળીયા ચલાવી રહ્યા છે. જયારે વઢવાણના ગણપતી ફાટસર વિસ્તારમાં આવેલ ભીમનગરમાં રહેતા રાજેશભાઈ જેસીંગભાઈ સોલંકી જોરાવરનગરમાં રાજેશ મોબાઈલ નામની દુકાન ચલાવે છે. ગત 18-3-24ના રોજ તેમના દિકરાને ધો. 10ની પરિક્ષાનું પેપર વઢવાણ વિકાસ વિદ્યાલયમાં આવેલ હોઈ તેઓ બાઈક લઈને મુકવા ગયા હતા. અને બાઈક શાળા બહાર જ પાર્ક કરીને પોતાના કામે ગયા હતા. જયારે પેપર પુરૂ થતા સમયે જઈને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આ અંગે તેઓએ અજાણ્યા શખ્સ સામે રૂપીયા 25 હજારનું બાઈક ચોરી કરી લઈ ગયાની 2-12-25ના રોજ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ ઉપેન્દ્રસિંહ ગોહીલ ચલાવી રહ્યા છે.










