રાજયમાં છેલ્લા થોડા સમયથી સરકારી કચેરીઓ, શાળાઓમાં બોમ્બની ધમકીના સમાચારો ચિંતાજનક રીતે સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા માલવણ હાઈવે પર વડોદરાની સ્કૂલ બસોનું બોમ્બની ધમકીના પગલે ચેકીંગ કરાયુ હતુ.
આ અંગેની વધુમાં મળતી માહીતી મુજબ વડોદરામાં આવેલ નાલંદા વિદ્યાલયની 3 સ્કુલ બસોમાં છાત્રોના 4 દિવસીય પ્રવાસનું આયોજન કરાયુ હતુ. જેમાં બસો પ્રવાસ દરમીયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પહોંચી હતી. ત્યારે શાળાના સંચાલકોને આ બસોમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આથી શાળા સંચાલકોએ વડોદરા પોલીસ થકી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને જાણ કરી હતી. બનાવની ગંભીરતા પામી માલવણ ઈન્ચાર્જ પીઆઈ એ. કે. વાઘેલા, સુરેન્દ્રનગર બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ્સ સ્કવોડની ટીમે બસોના ચાલકનો સંપર્ક કરતા બસો માલવણ હાઈવે પર હોવાની માહીતી મળી હતી. આથી તેઓ માલવણ હાઈવે પર આવેલ રાધે હોટલ પાસે સ્ટોપ કરાવી છાત્રોને નીચે ઉતારી મેટલ ડીટેકટર અને સ્નીફર ડોગ્સ વડે બસની તપાસ કરાઈ હતી. પરંતુ બંને સ્કૂલ બસમાંથી કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પ્રવાસની બસોને પુનઃ રવાના કરી દેવાઈ હતી.










