સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં તા. 26-2થી બોર્ડના વિદ્યાર્થીઓની કસોટી શરૂ થનાર છે. ત્યારે ઝાલાવાડમાં પરિક્ષાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં બોર્ડની પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલકોને પરીક્ષાને લઈને વિવિધ માહીતી આપવા માટે તા. 17-2ના રોજ શહેરના કડવા પાટીદાર શૈક્ષણીક સંકુલમાં આવેલ કે.પી.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, ધો. 12ની પરીક્ષાના ઝોનલ કે.એન.બારોટ, ધો. 10ના ઝોન-1ના ઝોનલ અધીકારી ભરતભાઈ પરમાર, ઝોન-2ના ઝોનલ અધીકારી બીપીનભાઈ પટેલે સ્થળ સંચાલકોને પરીક્ષાલક્ષી માહીતી આપી હતી. જેમાં પરીક્ષાની ગોપનીયતા જાળવવા માટે લેવાતા જરૂરી પગલાઓ, પરિક્ષાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, ગેરરીતી નીવારવા વિગતવાર માહીતી અપાઈ હતી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પર પ્રતીબંધ સહિતની બાબતો જણાવાઈ હતી. બીજી તરફ તા. 26-2થી શરૂ થતી પરીક્ષામાં રાજયના શિક્ષણ બોર્ડે તા. 17-2ને બપોરે 3 કલાકથી બોર્ડની પરિક્ષા આપતા છાત્રોની હોલ ટીકીટ ડાઉનલોડ કરવાની જાહેરાત કરી છે. જેમાં જે તે શાળાનો ઈન્ડેકસ નંબર, શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર નાંખીને લોગીન કરીને શાળાના બોર્ડના વિદ્યાર્થીઓની હોલટીકીટ ડાઉનલોડ કરવાની રહેશે. આ ઉપરાંત શાળાના જે શિક્ષકોની મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્ર પર પેપર ચેકર તરીકે નીમણુંક થઈને તેઓના ઓર્ડર પણ ઓનલાઈન કરાયા છે. જે પણ શાળા દ્વારા ડાઉનલોડ કરી જે તે શિક્ષકોને આપવા જણાવાયુ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: