સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે શનીવારે જુલાઈ માસની જિલ્લા ફરિયાદ અને સંકલન સમીતીની બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા કલેકટરે ચાંદીપુરા વાયરસ બાબતે તકેદારી રાખવા અને દવા છંટકાવ કરવા સુચના આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં દર માસે એક વાર જિલ્લા કક્ષાની ફરિયાદ અને સંકલન સમીતીની બેઠક યોજાઈ છે. ત્યારે શનીવારે જુલાઈ માસની ફરિયાદ અને સંકલન સમીતીની બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર જી.એચ.સોલંકી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કમીશ્નર જે.કે.જાદવ, એસપી પ્રેમસુખ ડેલુ, ડીઆરડીએના નીયામક ભાવેશ દવે, જિલ્લા પુરવઠા અધીકારી એ.જી.ગજ્જર, ધારાસભ્ય પી.કે.પરમાર સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ બેઠકમાં કલેકટરે જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે પુરતી તકેદારી રાખવા, કાચા ઘરોમાં દવા છંટકાવની કામગીરી વધુ સઘન બનાવવા, રોગચાળા સામે પ્રીવેન્ટીવ એકશન લેવા સુચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝાલાવાડમાં અત્યાર સુધી વઢવાણ અને દસાડા તાલુકામાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસો ધ્યાને આવ્યા હતા. જેમાં બન્નેના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ બન્ને બાળકોની સ્થીતી સ્ટેબલ છે. બીજી તરફ કલેકટરે અધીકારીઓને નાગરીકોની રજુઆતો, ફરિયાદોનો નીકાલ સર્વોચ્ચ અગ્રતા ધોરણે સમય મર્યાદામાં કરવા જણાવ્યુ હતુ. આ બેઠકમાં વીજ લોડ વધારવા, પાટડીમાં નર્મદા કેનાલને લગતા, સૌની યોજના લીંક-3 મારફતે ખેડુતોને પુરતુ પાણી પહોંચાડવા જેવા પ્રશ્નો પણ ચર્ચાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો