સાયલા, મૂળી અને થાન તાલુકાના વિસ્તારોમાં બેફામ બનેલા અને કરોડો રૂપિયાનો વહીવટ ધરાવતા ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસા) ખનન સામે જિલ્લા પોલીસ વડાની કડક સૂચનાઓ બાદ તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. લીંબડી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમોએ ઓચિંતી સર્જિકલ સ્ટ્રાઈક કરી 30 જેટલા ગેરકાયદેસર ચાલુ કુવાઓ ઝડપી પાડી કરોડો રૂપિયાની કોલસા ચોરીનો પર્દાફાશ કર્યો છે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને મળેલી ચોક્કસ બાતમીને પગલે સાયલા, મૂળી, લીંબડી, આણંદપુર અને થાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સાયલા તાલુકાના ચિત્રાલાખ અને થાનગઢના રાવરાણીની સીમમાં અચાનક દરોડા પાડયા હતા. તંત્રની આ ઓચિંતી કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન અને વહન સાથે સંકળાયેલા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. તંત્રના દરોડા દરમિયાન ચિત્રાલાખ અને રાવરાણીની સીમમાંથી કોલસા કાઢવાના 30 જેટલા ચાલુ કુવાઓ મળી આવ્યા હતા. સ્થળ પરથી પોલીસે 30 ચરખીઓ, પાઈપો અને બકેટ, 16 ટ્રેક્ટરો, 100 મેટ્રિક ટન ખનિજનો જથ્થો, 131 નંગ જિલેટીન સ્ટીક અને 39 ડિટોનેટર (વિસ્ફેટક સામગ્રી) આમ, કુલ મળીને રૂપિયા 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિસ્ફેટક સામગ્રી મળી આવવાને કારણે સાયલા પોલીસ દ્વારા (1) હરજી વાલજીભાઈ માત્રાણીયા( રહે, થાનગઢ) (2) મનસુખ હીરાભાઈ માલકિયા (રહે,કાનપર) સામે એક્સપ્લોસિવ એક્ટ હેઠળ પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જો કે, બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગના સર્વેયર દ્વારા હાલ સ્થળ પર થયેલ ખોદકામની માપણી અને અન્ય કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ આગળ વધતાં કરોડો રૂપિયાની ખનીજચોરીનું મોટું કૌભાંડ બહાર આવવાની પૂરી સંભાવના છે. તંત્ર દ્વારા જપ્ત કરાયેલી ચરખીઓ ખાણ-ખનીજ કચેરી ખાતે અને ટ્રેક્ટરો થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા છે.
