ધ્રાંગધ્રા શહેર ખાતેની સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી મહત્વના ડોકટરોની ખાલી જગ્યાઓના કારણે શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને પારાવાર મુશ્કેલી પડતી હોવાથી પુર્વ મંત્રીએ આરોગ્ય મંત્રીને સમસ્યા ઉકેલવા રજુઆત કરી છે. જિલ્લાની સૌથી જુની રાજશાહી વખતની સૌથી મોટી સરકારી હોસ્પીટલ ધ્રાંગધ્રા ખાતે આવેલી છે.આ હોસ્પીટલમાં લાંબા સમયથી સ્ત્રી રોગ નિષ્ણાંત,કાનના ડોકટર,આંખ વિભાગમાં મશીનરી, એકસરે મશીન, પેથોલોજીના સાધનો અને ટેકનીશીયનના અભાવે હજારો દર્દીઓને ભારે મુસ્કેલી ભોગવવી પડી રહી છે. દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં ઉંચા ખર્ચ કરી કે સુરેન્દ્રનગર સુધી જ જઇને નાણા અને સમયનો વ્યય કરી સારવાર કરાવવી પડે છે. આ ગંભીર સમસ્યા ઉકેલવા માટે પુર્વ મંત્રી આઇ. કે. જાડેજાએ ગાંધીનગર આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાને સમસ્યા ઉકેલવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. આ ઉપરાંત તાલુકા મથકની સરકારી હોસ્પિટલમાં પુર્ણ સમયના સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબના અભાવે સરકારી હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં હજારો રૂપિયા ખર્ચીને સારવાર લેવી પડતી હોવાથી સામાન્ય પરીવારજનોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો