સુરેન્દ્રનગર (બ્યુરો) : ગુજરાતમાં વર્ષનો છેલ્લો દિવસ એટલે દિવાળી. અને બેસતા વર્ષથી નવા વર્ષની શરૂઆત થાય છે. આથી ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર દિવાળી અને નુતન વર્ષનો પ્રારંભ ગણાય છે. ત્યારે દિવાળીના તહેવારોની ખરીદી સુરેન્દ્રનગર શહેરની બજારોમાં દેખાઈ રહી છે. સોના-ચાંદી, ઈલેકટ્રોનીકસ, ઓટોમોબાઈલ્સ, ફુટવેર કાપડ બજાર, મોબાઈલ શો રૂમ, કોસ્મેટીક, સુશોભન, દીવડા, કલર, ફટાકડા, રંગોળી ડીઝાઈન સહીત નાના અને મોટા ધંધાર્થીઓના ચહેરા પર બજારમાં લોકોની ભીડ જોઈ રોનક જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકથી ટાંકી ચોક સુધીના વિસ્તારમાં મહાનગરપાલીકાએ નાના ધંધાર્થીઓને રોજગારી રળવાની મંજુરી આપતા આનંદની લાગણી ફેલાઈ છે. આ રસ્તા પર બન્ને તરફ અને ફુટપાથ પર લારી અને પાથરણાવાળાઓ વીવીધ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે દિવાળી પર્વ અને નુતન વર્ષના તહેવારોની શરૂઆત એટલે કે, ધનતેરસના દિવસે સાંજે આ રસ્તા પર ગ્રાહકો કીડીયારૂની જેમ ઉભરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીની ખરીદી ખુલતા ખાસ કરીને બુટ, ચંપલ, સોના-ચાંદી અને કપડાની દુકાનો મોડી રાત સુધી ખુલી રહે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો