ધ્રાંગધ્રા તાલુકા પોલીસના એએસઆઈ ભાવાર્થ સોલંકી સહિતનાઓને ગત તા. 17મીના રોજ સાંજે માલવણ તરફથી મોરબી બાજુ વિદેશી દારૂ ભરેલ ક્રેટા કાર પસાર થવાની હોવાની બાતમી મળતા કલ્પના ચોકડીએ વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કરાતા કાર ચાલકે હળવદ તરફ કાર ભગાવી હતી. આથી હળવદ પોલીસને જાણ કરીને હળવદ ચોકડી પાસે રસ્તો બ્લોક કરાયો હતો. જેમાં હળવદ ચોકડી નજીક કાર ચાલક કાર મુકી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેને દબોચી લીધો હતો. જયારે કારમાં તપાસ કરાતા કારમાંથી દારૂના 1182 ચપલા અને બીયરના 624 ટીન મળી આવ્યા હતા. પોલીસે કાર ચાલક રાજસ્થાનના ગંગારામ અંબારામ દેવાસીની દારૂ, કાર, મોબાઈલ સહિત રૂપીયા 7,45,750ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ફરિયાદ નોંધી છે. જયારે ધ્રાંગધ્રાની માજી સૈનીક સોસાયટીના રહેણાક મકાનમાં પોલીસે તા. 18ના રોજ સાંજે રેડ કરી દારૂના 4 ચપલા કિંમત રૂપીયા 560નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી કીશન દીલીપભાઈ મકવાણા સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી અશોક શેખાવા ચલાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર એલસીબી ટીમના વજાભાઈ સહિતનાઓએ મંગળવારના રોજ સાંજે મુળીના પલાસા ગામની સીમવાડીની ઓરડીમાંથી બીયરના 240 ટીન અને મોબાઈલ સાથે સોમા ઉર્ફે હકો દેવકુભાઈ સાતોલાને ઝડપી લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો