સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે ફરજ બજાવતા તબીબ તા. 29-3ની રાત્રે હોસ્પિટલ કેમ્પસમાં વોકિંગ કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સે મારી નાંખવાની ધમકી આપી રૂ. 5 હજારનું ગુગલ પે કરાવી, રૂ. 400નું રિચાર્જ કરાવી લીધું હતું. આ અંગે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને દબોચી લીધો છે.
મૂળ પશ્ચિમ બંગાળના 29 વર્ષીય ડો. મનીશ મુરારીલાલ અગ્રવાલ હાલ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે ફરજ બજાવે છે અને હોસ્પિટલના કવાટર્સમાં જ રહે છે. તા. 29 માર્ચે તેઓ રાતે 11-15 કલાકના અરસામાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વોકિંગ કરતા હતા ત્યારે એક અજાણ્યા માણસે અંધારામાં પાછળથી તબીબને પકડી તમે કોણ છો તેમ કહ્યું હતું. જ્યારે તબીબે પોતાની ઓળખ આપતા અજાણ્યા શખ્સે મેં ખૂન કરેલુ છે તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી અને હાથમાં પહેરેલ કડા વડે તબીબને ગળાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે તબીબના મોબાઈલ ફોનમાંથી તેની કોઈ પ્રેમીકાના ખાતામાં રૂ. 5 હજાર ગુગલ પે કર્યા હતા. અને રૂ. 400નું રિચાર્જ કરાવ્યું હતું. રાતના સમયે અંદાજે 30 થી 35 મિનિટ ચાલેલી આ મથામણ બાદ સિક્યોરિટી ગાર્ડ આવતા અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં તબીબે બી-ડિવિઝન પોલીસ મથકે તા. 30-3ના રોજ રાત્રે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા તપાસ અધિકારી પીઆઈ સહિતનાઓએ વડોદરા જિલ્લાના રણોલીની હરિદર્શન સોસાયટીમાં રહેતા આકાશ હસમુખભાઈ આડમતિયાને ઝડપી લીધો હતો. ઝડપાયેલ આરોપી સામે દુષ્કર્મ, હત્યા સહિતના ગુના નોંધાયેલા છે.










