વિરમગામથી માલવણ તરફ દારૂ ભરેલ ટ્રક આવનાર હોવાની બાતમી મળતા બજાણા પોલીસે વોચ રાખી હતી. જેમાં દારૂ ભરેલ ટ્રક ઉભો ન રહેતા પોલીસે પીછો કરતા ચાલક સેડલા પાસે દારૂ ભરેલ ટ્રક મુકી ફરાર થઈ ગયો છે. જેમાં પોલીસે દારૂની 34,236 બોટલો અને ટ્રક સહિત રૂપીયા 1.42 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બજાણા પીએસઆઈ એ.કે.વાઘેલા, વલ્લભભાઈ સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન વિરમગામ તરફથી આવતા સફેદ મહોરાવાળા ટ્રકમાં દારૂ હોવાની તથા આ ટ્રક માલવણ થઈ ધ્રાંગધ્રા તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે માલવણ ટોલનાકા પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રક ચાલકે ટ્રક માલવણ તરફ હંકારી મુકી હતી. આથી પોલીસે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કર્યો હતો. જેમાં ટ્રક ચાલક દસાડા તાલુકાના સેડલા પાસે ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી દારૂની 34,236 બોટલો મળી આવી હતી. જયારે ટ્રકની નંબર પ્લેટ પણ ખોટી ફીટ કરાઈ હતી. આથી પોલીસે ટ્રક અને દારૂ સહિત રૂપીયા 1,42,08,952નો મુદ્દામાલ કબજે કરી ફરાર ચાલક સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ ડી.બી.ટાંક ચલાવી રહ્યા છે. બીજી તરફ જોરાવરનગર પોલીસ મથકના એચસી આર.આર.ચાવડા સહીતનાઓને માળોદ ચોકડી પાસે પાણીનો પ્લાન્ટ ધરાવતો ભવાનીસિંહ મસાણી પ્લાન્ટ પાસે દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં માળોદનો 42 વર્ષીય ભવાનીસિંહ ખુમાનસિંહ મસાણી વિદેશી દારૂના 36 ચપલા કિંમત રૂપીયા 5400 સાથે પકડાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો