ચોટીલા તાલુકાના કંથારીયા ગામની સીમની વાડીમાં લીલા ગાંજાનું વાવેતર કરાયુ હોવાની બાતમી મળતા આણંદપુર પોલીસે તા. 24મીએ સાંજે રેડ કરી હતી. જેમાં તુવેર અને દુધીના વાવેતરની સાથે સાથે ગાંજાના વાવેતર કરાયેલ 8 છોડ કિંમત રૂ.40,550 સાથે ખેડૂતને ઝડપી લેવાયો છે. ઝાલાવાડમાં પ્રતીબંધીત ગાંજાના વાવેતર અને વેચાણ સામે પોલીસ કડક હાથે પગલા ભરી રહી છે. છેલ્લા 5 દિવસની વાત કરીએ તો ગાંજા સાથે આરોપી પકડાવાનો પાંચમો બનાવ સામે આવ્યો છે. અગાઉ સાયલા તાલુકાના સોખવડા, નવાગામ (બા), ચોટીલાના મોટા હરણીયામાં લીલા ગાંજાનું વાવેતર કરનાર ધરતીપુત્ર અને સુરેન્દ્રનગરમાં સુકો ગાંજો વેચનાર શખ્સ પકડાયો છે. ત્યારે ચોટીલા તાલુકાના કંથારીયા ગામની વાડીમાં લીલા ગાંજાનું વાવેતર પકડાયુ છે. આ અંગે મળતી માહીતી મુજબ આણંદપુર પોલીસના એચસી શેખાભાઈ રોજીયાને જીવાપર ગામનો હરેશ દેહાભાઈ સોરાણીએ તેની કંથારીયાની સીમમાં વાડીમાં લીલો ગાંજાનું વાવેતર કર્યુ હોવાની બાતમી મળી હતી. આથી તા. 24ના રોજ સાંજે પીઆઈ જે.કે.રાઠોડ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં વાડીમાં તુવેર અને દુધીના વાવેતરની સાથે ચાસમાં લીલા ગાંજાના 8 છોડ સાથે ખેડુત 35 વર્ષીય હરેશ સોરાણી પકડાયો છે. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં કમળાપુર રોડ પર આવેલ મામાદેવના મંદિર પાસેથી તેને ગાંજાના બી મળ્યા હતા. જેનું 1 માસ પહેલા ખેતરમાં વાવેતર કર્યુ હતુ. ગાંજો પાકયા પછી તેનો ઉપયોગ પોતે પીવા અને વેચાણ માટે કરવાનો હતો. પોલીસે લીલા ગાંજાના 8 છોડ વજન 0.811 ગ્રામ કિંમત રૂપીયા 40,550નો મુદ્દામાલ કબજે કરી આણંદપુર પોલીસ મથકે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
