સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે ઈદ-એ-મીલાદ પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની વીવીધ મસ્જીદ ખાતેથી જુલૂસનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જોડાયા હતા.
મુસ્લીમ સમાજના ધર્મગુરૂ મહોમ્મદ પયગંબરના જન્મ દિવસને દર વર્ષે ઈદ-એ-મિલાદ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે તા. 26ને બુધવારે સમગ્ર દેશ અને રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઈદ-એ-મીલાદની ઉજવણી કરાઈ હતી. જેમાં મંગળવાર રાત્રે જ શહેરની વીવીધ મસ્જીદોએ રોશની કરવામાં આવી હતી. જયારે બુધવાર સવારથી જ મુસ્લીમ સમાજના લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. અને પરીવાર સાથે ઈદની ઉજવણી કરી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના ઘાંચીવાડ, નુરે મહમદી સોસાયટી, લક્ષ્મીપરા, અલંકાર સીનેમા રોડ, રતનપર, વઢવાણ, વીવીધ તાલુકા મથકોએ આવેલી મસ્જીદો પર મુસ્લીમ બીરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ વીવીધ મસ્જીદો ખાતેથી જુલૂસનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ પરીવારો નવા વસ્ત્રો પરીધાન કરીને જોડાયા હતા. જિલ્લામાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શનથી સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ અને વીવીધ તાલુકા મથકોએ જુલૂસના રસ્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
