સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ચોમાસુ બારણે ટકોરા મારી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા પ્રી મોન્સુન કામગીરીનો એકશન પ્લાન બનાવીને કામગીરીનો ધમધમાટ કરાયો છે. ગત વર્ષે શહેરી વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો સર્વે કરાતા કુલ 48 સ્થળે વધુ માત્રામાં વરસાદી પાણી ભરાતા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે શહેરમાં પથરાયેલ ભુર્ગભ ગટરની સફાઈ, પાણીના વહેણ માટે નાળાની સફાઈ પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની રચના બાદ ગત વર્ષ 2025માં મનપાએ પ્રથમ ચોમાસાનો સામનો કર્યો હતો. ગત વર્ષે સામાન્ય વરસાદીમાં પણ ઠેરઠેર પાણી ભરાઈ જતા હતા. ત્યારે આ વર્ષે ચોમાસા પહેલા મહાનગરપાલીકાએ આગોતરૂ આયોજન કર્યુ છે. કમીશ્નર જે.કે.જાદવની સુચનાથી મહાનગરપાલીકાના દરેક વિભાગ સાથે સંકલન કરીને પ્રી મોન્સુન એકશન પ્લાન તૈયાર કરાયો હતો.
જેમાં સૌ પ્રથમ તો ગત વર્ષે વિપુલ માત્રામાં ભરાતા વરસાદી પાણીનો સર્વે કરાયો હતો. જેમાં શહેરના 13 વોર્ડમાં 48 સ્થળે ભારે માત્રામાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આગામી ચોમાસા દરમીયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા નીવારવા માટે અને નાગરીકો સુરક્ષીત રહે, તેમને હેરાનગતી ન ભોગવવી પડે તે માટે પ્રી મોન્સુન કામગીરી હાથ ધરાઈ છે.
જેમાં વરસાદી પાણીના નીકાલ માટે આયોજનબધ્ધ રીતે ભુગર્ભ ગટરોની અને નાળાઓની સફાઈ કરાઈ છે. મહાનગરપાલીકાનું ડ્રેનેજ સીસ્ટમ પુર્ણ ક્ષમતા સાથે ચોમાસામાં કાર્યરત રહે તે અંગે ખાસ ખ્યાલ રખાયો છે. જયારે ભારે વરસાદ સમયે વિપુલ માત્રામાં પાણી ભરાય તો અત્યાધુનીક ડી વોટરીંગ પમ્પને પણ તૈયાર રખાશે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે જેસીબી વડે નીક બનાવી તેનું કુદરતી જલસ્ત્રોત તરફ નીકાલ કરવા કાર્યવાહી કરાઈ છે. આ ઉપરાંત મનપા વિસ્તારમાં ભયજનક વૃક્ષોનું ટ્રીમીંગ, બંધ સ્ટ્રીટલાઈટો શરૂ કરવા પણ વિશેષ કામગીરી કરાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો