સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યાને દોઢ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં હજુ સુધી કહેવાતો વિકાસ પહોંચ્યો નથી. જયાં બિસ્માર રસ્તા અને સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. શહેરના વોર્ડ નં. 7માં આવેલ દુધની ડેરી પાછળ ડાંગસીયા વસાહત આવેલી છે. જેમાં મોટાભાગે શ્રામીક પરિવારો વસવાટ કરે છે. અગાઉ સંયુકત નગરપાલિકા હતી ત્યારથી આ વિસ્તારના લોકો પાયાની પ્રાથમીક સુવિધાઓ ઝંખી રહ્યા છે. પરંતુ આ વિસ્તાર પ્રત્યે મનપાના અધીકારીઓ અને પદાધીકારીઓ દ્વારા દુર્લક્ષ સેવવામાં આવી રહ્યુ છે. ત્યારે ડાંગસીયા વસાહતમાં રહેતા વિનોદભાઈ જાદવ દ્વારા મનપાના કમીશ્નર અને મેયરને લેખીત રજુઆત કરાઈ હતી. જેમાં ડાંગસીયા વસાહતમાં બિસ્માર રસ્તા, રસ્તાઓ પર ખુલ્લી ગટરોમાંથી વહેતા પાણી અંગે રજુઆત કરાઈ છે. જયારે ઠેર ઠેર કચરાના ગંજ પણ લાંબા સમયથી ખડકાયેલા હોવાથી વસાહતના રહીશો 18મી સદીમાં જીવતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. આ વિસ્તારમાં સીસી રોડ બનાવવાના કામ હાથ ધરાયા હતા. પરંતુ તે પણ અધુરા મુકી દેવાયા છે. જયારે રસ્તાની બન્ને બાજુ પેવર બ્લોકની પણ માંગ કરાઈ છે. જો તાકીદે ડાંગસીયા વિસ્તારમાં પ્રાથમીક સુવિધાઓ પુરી નહી પડાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી રજૂઆતના અંતે ઉચ્ચારાઈ છે.
