રાજકોટથી અમદાવાદ ડીઝલ ભરીને જતી માલવાહક ટ્રેન મુળી તાલુકાના રામપરડા રેલવે સ્ટેશને ક્રોસીંગ માટે રોકાઈ હતી. ત્યારે તેમાંથી 2600 લીટર ડીઝલની ચોરી થવાનો બનાવ બન્યો હતો. જેમાં આરપીએફની ટીમે ડીઝલની ચોરી કરનાર ર અને તેને ખરીદનાર પ શખ્સોને ઝડપી ચોરીનો ભેદ ઉકેલી દીધો છે.


ખાડી દેશોમાં યુધ્ધની અસરને લઈને ડીઝલની અછત વર્તાઈ રહી છે. બીજી તરફ ડીઝલના ભાવ પણ વધતા મુળી તાલુકાના ઉમરડા ગામના 2 શખ્સોએ ડીઝલ ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તા. 5-6ના રોજ રાત્રે રાજકોટથી અમદાવાદ ડીઝલના ટેન્કર ભરીને જતી માલવાહક ટ્રેન મુળી તાલુકાના રામપરડા સ્ટેશને ક્રોસીંગ માટે રોકાતા 2600 લીટર ડીઝલની ચોરી થઈ હતી. આ અંગેની માહીતી મળતા રેલવે પ્રોટેકશન ફોર્સે તપાસ આરંભી હતી. જેમાં સુરેન્દ્રનગર આરપીએફ પીઆઈ વિનોદકુમાર શર્મા, રાજકોટના કે.પી.સીંઘ, રાજકોટ ક્રાઈમ બ્રાંચના શકિતસિંહ વાળા, પીએસઆઈ નીકુંજ પટેલ સહિતની ટીમે ડીઝલ ચોરનાર મુળી તાલુકાના ઉમરડા ગામના 26 વર્ષીય કેવલ ગોવિંદભાઈ સરવૈયા અને 31 વર્ષીય પ્રતાપ ગોવિંદભાઈ સરવૈયાને ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સોને કડક પુછપરછમાં તેઓએ ચોરીનું ડીઝલ નીલેશ નાગરભાઈ બારૈયા, જીવરાજ ખીમાભાઈ માધર અને ગોવિંદ વાલાભાઈ ખાંભલાને વેચ્યુ હોવાની કબુલાત કરી હતી. જેમાં આરપીએફની ટીમે આ ત્રણેયને પણ ચોરીના 2600 લીટર ડીઝલ સાથે ઝડપી લીધા હતા. પાંચેય આરોપીઓને આરપીએફની ટીમે ભાવનગર રેલવે કોર્ટ સમક્ષ રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: