રાજય સરકારે તાજેતરમાં એનાલોગ પનીર પર પ્રતીબંધ મુકયો છે. ત્યારે સુરેન્દ્રનગર ફુડ વિભાગની ટીમે બુધવારે જિલ્લાના નેશનલ હાઈવે પર આવેલ 8 હોટલોમાં એનાલગ પનીર અને હોટલમાં હાઈજીન કન્ડીશન બાબતે તપાસ કરી હતી. જેમાં 60થી વધુ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. જયારે 14 શંકાસ્પદ વસ્તુના નમુના લેવાયા હતા.

ગુજરાત રાજયમાં એનાલોગ પનીર નામે ધારા ધોરણ વગરના પનીર, ચીઝ વગેરેનું બેફામ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો હતો. ત્યારે રાજય સરકારે ગત તા. 5મી ઓગસ્ટે એનાલોગ બટર, ચીઝ અને પનીર પર પ્રતીબંધ મુકી દીધો છે. આ પ્રતીબંધ મુકાતા અગાઉ ફુડ વિભાગે સુરેન્દ્રનગર શહેરમાં 10થી વધુ સ્થળે તપાસ કરી હતી. જયારે બુધવારે સુરેન્દ્રનગર જિલ્લા ફુડ વિભાગના અધીકારી પીયુષ સાવલીયા સહિતની ટીમ દ્વારા નેશનલ હાઈવે પર ચોટીલા, સાયલા, ચુડાની 8 હોટલોમાં તપાસ કરી હતી. જેમાં વસ્તડી પાસેની હોટલ દર્શન, મોરવાડની હોટલ શિવશકિત, હોટલ મોમાઈ, હોટલ કીસ્મત કાઠીયાવાડી, હોટલ દેવાંગી, હોટલ આકાશ પેલેસ, જય ભવાની હોટલ અને વેસ્ટર્ન હોલમાં ચેકિંગ કરાયુ હતુ. આ હોટલોમાંથી વાસી ગ્રેવી, મન્ચ્યુરીયન ગોળી, દહીં, લોટ, અનાજ-કઠોળ, શાકભાજી સહિત 60થી વધુ કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે. જયારે આ હોટલોમાંથી શંકાસ્પદ લાગતા પનીર, તૈયાર શાક જેવા કે, વાલ, સેવટમેટા, બટેકા, બટર, ચીઝ, પંજાબી શાક સહિત 14 નમુના લેવાયા છે. આ નમુના સરકારની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે. જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પરની હોટલોમાં ફુડ વિભાગના ચેકિંગથી ખોટુ કરતા હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.