સુરેન્દ્રનગર જિલ્લાના વન વિભાગમાં વનપાલ અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા 350 થી વધુ કર્મીઓ પોતાની માંગણીઓ સંદર્ભે આંદોલનના માર્ગે છે. ત્યારે આગામી તા. 28-10 થી વન કર્મીઓએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યુ છે. સમગ્ર રાજય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં કચેરીના વડાને આવેદન, પેન ડાઉન, કાળી પટ્ટી ધારણ કરવી જેવા કાર્યક્રમો કર્યા અગાઉ છે. જયારે ગત રવીવારે વન કર્મીઓએ દુધરેજના વટેશ્વર વન ખાતે ચિંતન શીબીર યોજી હતી. જેમાં ઓલ ઈન્ડીયા ફોરેસ્ટ ફોડરેશનના ઝોનલ સેક્રેટરી પ્રવિણસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લા વનરક્ષક-વનપાલ કર્મચારી મંડળના પ્રમુખ વીરસંગભાઈ કાગડીયા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. વન કર્મીઓની વનરક્ષક-વનપાલના ગ્રેડ પેમાં વધારો કરવો, વનપાલની ડાયરેકટ ભરતી બંધ કરી લાયકાત ધરાવતા સીનીયર વનરક્ષકોને બઢતી આપી જગ્યાઓ ભરવી, ખાતાકીય પરીક્ષા પાસ કરેલ વનપાલોને આરએફઓ વર્ગ-રમાં બઢતી આપવી, વનરક્ષક-વનપાલને સીકયુરીટી એલાઉન્સ આપવુ સહિતની સરકાર સમક્ષ વીવીધ માંગણીઓ છે. ત્યારે સરકાર આ માંગણીઓ તરફે હકારાત્મક ન થતા હવે વન કર્મીઓએ મહામંડળના આદેશ મુજબ આંદોલનનો અંતીમ માર્ગ અપનાવ્યો છે. જેમાં આગામી તા. 28-10 થી જિલ્લાના 350 થી વધુ વનરક્ષકો અને વનપાલ સહિતનો ફ્રન્ટ લાઈન સ્ટાફ અચોક્કસ મુદતની હડતાલ પર જનાર છે.
