સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના બહુચર્ચિત જમીન કૌભાંડમાં 10 કરોડ રૂપિયાની લાંચ લેવાના ગંભીર આરોપ હેઠળ ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટે આપેલા 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ થયો છે.

તપાસ એજન્સીએ વધુ રિમાન્ડની ન કરી માંગણી

ED દ્વારા પાંચ દિવસ સુધી ચાલેલી સઘન પૂછપરછ બાદ આજે તપાસ એજન્સીએ વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી. પરિણામે, કોર્ટે પૂર્વ કલેક્ટરને જેલહવાલે કરવાનો નિર્ણય લીધો હતો. આ કેસમાં આરોપ છે કે રાજેન્દ્ર પટેલે કલેક્ટર તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી, કરોડોની કિંમતની સરકારી જમીન ખાનગી હિતોને પધરાવી દેવા માટે 10 કરોડની માતબર રકમ લાંચ સ્વરૂપે માંગી હતી.

બચાવ પક્ષની દલીલ

તો બીજી તરફ, રાજેન્દ્ર પટેલના વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, પાંચ દિવસના લાંબા રિમાન્ડ દરમિયાન તપાસ એજન્સીને પૂર્વ કલેક્ટર પાસેથી કોઈ પણ પ્રકારની વાંધાજનક રિકવરી કે રોકડ રકમ મળી આવી નથી. બચાવ પક્ષે આ ધરપકડને પણ પડકારવાની તૈયારી દર્શાવી છે.

અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા

હવે જ્યારે રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે તેમના કાયદાકીય પ્રતિનિધિઓ દ્વારા આગામી દિવસોમાં જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે. આ સાથે જ ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયાને પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવનાર આ કૌભાંડમાં હજુ પણ અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: પ્રદૂષિત પાણીના પ્રશ્ને AMC એક્શન મોડમાં, સેમ્પલ રિપોર્ટ ત્વરિત મેળવવા અપાઇ સૂચના