મહેસાણાની ઠગ ટોળકીએ સુરેન્દ્રનગરમાં પેમ્પલેટ દ્વારા હરીદ્વાર યાત્રાની લાલચ આપી હતી. જેમાં 272 લોકોના રૂ. 4200 લેખે રૂ. 11,42,400ની છેતરપિંડી કરાયાની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગરની દ્વારકેશ સોસાયટીમાં રહેતા પંકજકુમાર ત્રિવેદી સાયલાના ધાંધલપુરની હાઈસ્કૂલમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. એકાદ માસ પહેલા તેમને જાહેરાતના પેમ્પલેટ થકી હરિદ્વાર યાત્રાની જાણ થઈ હતી. જેમાં મહેસાણાના અમુક આયોજકો દ્વારા તા. 11મીએ એસી બસ દ્વારા ભકતોને હરિદ્વાર લઈ જવાની, તા. 13મીથી 19મી દરમિયાન હરિદ્વારમાં ભાગવત સપ્તાહ યોજાનાર હોવાનું જણાવાયુ હતુ. આ યાત્રા માટે વ્યકિત દીઠ રૂ. 4200 ભરી ટીકીટ લેવાની હતી. આથી પંકજકુમાર ત્રિવેદીએ પોતાની અને તેમના પત્નીની, સોસાયટીમાં પડોશીઓની સહિત 9 ટીકીટ શહેરના વાદીપરમાં આવેલ ગજાનંદ ચેમ્બરમાં બનાવાયેલ ઓફીસમાં જઈને બુક કરાવી હતી. તા. 11 મીએ સુરેન્દ્રનગરના ટાગોરબાગથી બસ ઉપડનાર હોવાથી પંકજકુમાર સહિતનાઓ એકત્ર થયા હતા. પરંતુ બસ ન આવતા આયોજકોને ફોન કરાતા તેમના ફોન પણ બંધ આવતા હતા. આથી પંકજકુમાર સહિતનાઓને છેતરાયાની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. અને મહેસાણા જિલ્લાના સતલાસણાના કનેડીયા ગામના લક્ષ્મણ ચંદુજી ઠાકોર, વિક્રમસિંહ જામસિંહ પરમાર, નટવરસિંહ જશવંતસિંહ ઝાલા અને વિજાપુરના પીલવાઈના લખવારા લાલા ઉર્ફે ચેતન ઉર્ફે કેતન અશોકકુમાર સામે 272 લોકોના 4200 લેખે રૂ. 11,42,400ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ એમ.બી.વીરજા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો