સુરેન્દ્રનગરમાં રહેતા અને પાનની કેબીન ચલાવતા વૃધ્ધે પુત્રના લગ્ન માટે ઘરેણાનો ઓર્ડર એક સોની વેપારીને આપ્યો હતો. જેણે લગ્ન આવવા છતાં ઘરેણા ન આપી રૂપીયા 1,38,146ની છેતરપિંડી આચરી હતી. આ કેસના ફરાર આરોપીને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.
સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં આવેલ દેવ સોસાયટીમાં રહેતા 62 વર્ષીય જુવાનસિંહ પંજુભા ઝાલા શહેરના કુંથુનાથ દેરાસર ચોકમાં શિવ-શકિત પાન નામનું કેબીન ચલાવે છે. તેમના પુત્રના લગ્ન આવતા હોઈ કેબીને અવારનવાર આવતા 80 ફુટ રોડ પર આવેલ ગોકુલ પ્લાઝામાં રહેતા રીતેશ ભરતભાઈ રોજાસરાને ઘરેણા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. જેમાં થોડા રૂપીયા આપ્યા હતા અને બાકીના પોતાના ઘરેણા આપ્યા હતા. પરંતુ લગ્ન નજીક આવતા જુવાનસિંહે ઘરેણા માંગતા રીતેશ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. અંતે લગ્નના સમયે જુવાનસિંહે અન્ય સ્થળેથી ઘરેણા લીધા હતા. આ અંગે જુવાનસિંહે રીતેશ રોજાસરા સામે એ ડીવીઝન પોલીસ મથકે રૂપીયા 1,38,146ની છેતરપિંડીની ફરિયાદ તાજેતરમાં નોંધાવી હતી. જેમાં તપાસ અધીકારી એ ડીવીઝન પીએસઆઈ આર.જી.ચુડાસમા, કુલદીપભાઈ કડ સહિતની ટીમે આરોપી રીતેશ રોજાસરાને ઝડપી લીધો છે. તેની પાસેથી છેતરપિંડીના રૂપીયા 1,38,146 રીકવર કરાયા છે.










