સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ગુરૂવારે મનપાના કમીશ્નર અને મેયરની હાજરીમાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે મળી હતી. જેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, જોરાવરનગર અને દુધરેજ ઉપરાંત મહાનગરપાલિકામાં સમાવીષ્ટ પ ગામોની મળી 189 આંગણવાડીઓ જિલ્લા પંચાયત હસ્તકથી મહાનગરપાલીકા હસ્તક લેવાનો મહત્વનો ઠરાવ કરાયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની રચના બાદ પ્રથમ ચૂંટણી ગત એપ્રીલ માસમાં યોજાઈ હતી. જેના પરિણામો બાદ મે માસમાં મળેલી પ્રથમ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, દંડક સહિત પ હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જયારે ગત સામાન્ય સભા તા. 17-7-26ના રોજ મળી હતી. જેમાં વીવીધ સમિતિઓનાં ચેરમેનની વરણી કરાઈ હતી. ત્યારે તા. 29-10-26ને ગુરૂવારના રોજ મનપાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મહાનગરપાલીકાના કમીશ્નર જે.કે.જાદવ, મેયર રાકેશભાઇ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ, સ્ટેન્ડીંગ ચેરમેન નિખીલભાઇ ચાંપાનેરી સહિત કોર્પોરેટરો અને મહાનગરપાલીકાની વીવીધ શાખાના અધીકારીઓ હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં સૌ પ્રથમ ગત તા. 17-7-26ના રોજ મળેલ સામાન્ય સભાના પ્રોસીડીંગ્સને બહાલી અપાઈ હતી. જયારે તા. 22-8-26ના રોજ મળેલ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજુર કરાયેલ ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. જયારે સામાન્ય સભામાં મનપા વિસ્તારમાં આવેલ પ્રાચીન સ્થળો, ધાર્મીક સ્થળો, મહત્વના સ્થળો કે જયાં પેવર બ્લોક નાંખ્યાને 10 વર્ષ કરતા વધુ સમય થયો હોય તેવા સ્થળોએ પેવર બ્લોક નાંખવાની કામગીરી, મનપાના જુદા જુદા વોટરવર્કસના નામકરણ બાબત, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2026 મુજબ બાયલોઝ મંજૂર કરવાના ઠરાવોને બહાલી અપાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો